ક્ષત્રીય સમાજને લઈને આપેલા નીવેદનના મુદ્દે વધુ એક ભાજપના નેતા વિવાદમાં ફસાયા! રાજવી સાથે જ થઇ ગઈ બોલાચાલી | મુંબઈ સમાચાર

ક્ષત્રીય સમાજને લઈને આપેલા નીવેદનના મુદ્દે વધુ એક ભાજપના નેતા વિવાદમાં ફસાયા! રાજવી સાથે જ થઇ ગઈ બોલાચાલી

ગાંધીનગર: લોકસભાની ચૂંટણી દરમિયાન રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરશોતમ રૂપાલા દ્વારા ક્ષત્રીય સમાજ અંગે આપવામાં આવેલા કથિત વિવાદિત નિવેદન મુદ્દે ભારે હોબાળો મચ્યો હતો. ત્યારે હવે ભાજપના રાજપૂત નેતા જયરાજસિંહ પરમાર ફરી આવા વિવાદમાં ઘેરાયા છે. ગાંધીનગરના માણસામાં કોલેજના કાર્યક્રમમાં ઇતિહાસ વિષયક પ્રવચનમાં જયરાજસિંહ પરમાર વાત કરી રહ્યા હતા, ત્યારે તેમના પર ખોટો ઈતિહાસ રજુ કરી રહ્યા હોવાનાં આક્ષેપ સાથે માણસા સ્ટેટના રાજવી યોગરાજસિંહ રાઓલ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.

મળતી વિગતો ગાંધીનગરના માણસામાં કોલેજના કાર્યક્રમમાં ઇતિહાસ વિષયક પ્રવચનમાં જયરાજસિંહ પરમારે કહ્યું હતું કે આપણા ઉપર અંગ્રેજો અને મુઘલ શાસનો દરેક લોકોએ રાજ કર્યું છે. જ્યારે-જ્યારે આપણે ગુલામ થયા છે, ત્યારે આપણા કુસંપ, અંધશ્રદ્ધા અને વધુ પડતી ધાર્મિકતાના કારણે તેમજ વર્ણવ્યવસ્થાના કારણે જેમાં રંગભેદથી લઈને તમામ બાબતો હતી. માત્ર ક્ષત્રિયોના ભાગે જ લડવાનું આવ્યું હતું. તેની જવાબદારી માત્ર ક્ષત્રિયો ઉપર હતી, જેથી ધીમે-ધીમે ક્ષત્રિયો ઓછા થતા ગયા અને સંખ્યા ઓછી થઈ, જેથી ક્ષત્રિય સમાજ જે નાનો વર્ગ છે જે લડતો હતો. બાકી બધા પોતપોતાના કામમાં પરોવાયેલા હતા, જેથી આપણે ગુલામ થયા હતા. બાદમાં આપણે ફરી આઝાદી મેળવીને આઝાદ પણ થયા હતા.

જયરાજસિંહ પરમારના નિવેદન મુદ્દે માણસા સ્ટેટના રાજવી યોગરાજસિંહ રાઓલ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. યોગરાજસિંહ રાઓલએ તેઓને ચાલુ ભાષણમાં જ અટકાવી દીધા હતા અને કહ્યું હતું કે તમે ક્ષત્રિય સમાજ વિશે ખોટી વાત ફેલાવી રહ્યા છો અને આ મુદ્દે બન્ને વચ્ચે ઈતિહાસના મુદ્દે બોલાચાલી થઇ હતી. આ દરમિયાન માણસાના રાજવી યોગરાજસિંહ રાઓલ ઉભા થઈને ચાલુ કાર્યક્રમમાંથી બહાર નીકળી ગયા હતા. જો કે બંને વચ્ચેની બોલાચાલીનો વિવાદ વધારે વણસે નહિ તે માટે હાજર અન્ય લોકોએ બન્નેને શાંત પાડવાના પ્રયાસ કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે આ પૂર્વે લોકસભાની ચૂંટણીના સમયે રાજકોટ બેઠક પરના ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલા ક્ષત્રીય સમાજને લઈને આપેલા વિવાદિત નિવેદન મુદ્દે ફસાયા હતા. તેમની સામે ક્ષત્રીય સમાજમાં ભારોભાર રોષ વ્યાપ્યો હતો અને રૂપાલાના આ નિવેદનને લઈને ભાજપને પણ ઘણી મુશ્કેલીઓ પડી હતી. ભાજપને રૂપાલાની ટીકીટ રદ્દ કરવાની માંગ કરી હતી, તે સિવાય ક્ષત્રીય સમાજે રૂપાલાના વિરોધમાં રાજકોટના રતનપરમાં એક મોટી સ્વાભિમાન સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આપણ વાંચો:  મુસ્લિમો પરસ્પર સંમતિથી મૌખિક રીતે લઇ શકે છૂટાછેડા, લેખિત કરાર જરૂરી નથી: ગુજરાત હાઈ કોર્ટ

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button