Top Newsગાંધીનગર

ગુજરાત સરકારે ખેડૂતો માટે શું લીધો વધુ એક મોટો નિર્ણય? જાણો વિગત

પિયત અને બિનપિયત બંને પાકોમાં ખેડૂતોને એક સમાન રૂ. ૨૨,૦૦૦ સહાય ચૂકવવામાં આવશે

ગાંધીનગરઃ ગુજરાતમાં ગત ઓગસ્ટ-સપ્ટેમ્બર-૨૦૨૫ માસમાં વરસેલા અતિભારે વરસાદમાં જૂનાગઢ, વાવ-થરાદ, કચ્છ, પંચમહાલ અને પાટણ જિલ્લાના ખેતી પાકોમાં વ્યાપક નુકસાન જોવા મળ્યું હતું. આ નુકશાનમાં ખેડૂતોને આર્થિક મદદ પૂરી પાડવાના આશય સાથે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક ધોરણે સર્વે હાથ ધરીને કૃષિ પ્રધાન જીતુભાઈ વાઘાણી દ્વારા રૂ. ૯૪૭ કરોડના કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી હતી.

આ કૃષિ રાહત પેકેજમાં અસરગ્રસ્ત ખેડૂતોને SDRFના ધારાધોરણો મુજબ ૩૩ ટકાથી વધુ નુકશાન હોય તેવા ખેડૂતોને સહાય આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેમાં બિનપિયત પાક માટે રૂ. ૧૨,૦૦૦ પ્રતિ હેક્ટર, પિયત પાક માટે રૂ. ૨૨,૦૦૦ પ્રતિ હેક્ટર તેમજ બહુવર્ષાયુ પાકો માટે રૂ. ૨૭,૫૦૦ પ્રતિ હેક્ટર સહાય જાહેર કરવામાં આવી હતી.

કૃષિ પ્રધાન જીતુભાઈ વાઘાણીએ આ સંદર્ભે લેવાયેલા મહત્વપૂર્ણ નિર્ણય અંગે જણાવ્યું હતું કે, વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ અસરગ્રસ્ત વિસ્તારમાં નુકશાનની તીવ્રતાને ધ્યાને લઈને સહાયમાં વધારો કરવા અંગે રજૂઆત કરીને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ બાબતે ઊંડાણપૂર્વક રસ લઈને ખેડૂતોના હિતને તેમણે પ્રાધાન્ય આપ્યું હતું. આ ઉપરાંત અસરગ્રસ્ત વિસ્તારના વિવિધ ધારાસભ્ય સહિતના અગ્રણીઓએ પણ સહાયમાં વધારો કરવા રાજ્ય સરકારને રજૂઆત કરવામાં આવી હતી.

આ રજૂઆતને હકારાત્મક વાચા આપતા મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ બિનપિયત અને પિયત પાક બંનેને એક સમાન રૂ. ૨૨,૦૦૦ પ્રતિ હેક્ટર સહાય બે હેક્ટરની મર્યાદામાં આપવાનો રાજ્ય સરકાર દ્વારા ખેડૂત હિતલક્ષી નિર્ણય કરવામાં આવ્યો છે, તેમ પ્રધાને ઉમેર્યું હતું.

આટલું જ નહીં, વાવ-થરાદ અને પાટણ જિલ્લામાં ભારે વરસાદમાં પાણી ભરાયેલા હોય તેમજ રવિ ઋતુમાં વાવેતર થઈ શકે તેમ ન હોય તેવા ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા ખાસ કિસ્સામાં રૂ. ૨૦,૦૦૦ પ્રતિ હેક્ટર લેખે ૨ હેક્ટરની મર્યાદામાં સહાય આપવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે.

ખેડૂતો આ કૃષિ રાહત પેકેજ હેઠળ સહાય મેળવવા અરજી કરી શકે તે માટે આજે તા. ૧૧ નવેમ્બરથી આગામી ૧૫ દિવસ સુધી કૃષિ રાહત પેકેજ પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે. અસરગ્રસ્ત ખેડૂતોએ પોતાના ગામના VCE/VLEના માધ્યમથી સમયમર્યાદામાં કૃષિ રાહત પેકેજ પોર્ટલ પર અરજી કરવાની રહેશે.

આ પણ વાંચો…લોન લેવા જતાં ખેડૂતે રૂ. 1.71 કરોડ ગુમાવ્યા: ખેડૂતનું એકાઉન્ટ બન્યું ‘મની લોન્ડરિંગ’નું માધ્યમ

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button