ગાંધીનગરમાં અમિત શાહનું મોટું નિવેદન: 'GST દેશ ચલાવવા માટે છે, લોકોને લૂંટવા નહીં' | મુંબઈ સમાચાર
ગાંધીનગર

ગાંધીનગરમાં અમિત શાહનું મોટું નિવેદન: ‘GST દેશ ચલાવવા માટે છે, લોકોને લૂંટવા નહીં’

ગાંધીનગરઃ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ હાલ ગુજરાતના પ્રવાસે છે. આજે ગાંધીનગરમાં તેમણે સ્ટાર્ટઅપ કોન્કલેવનો આરંભ કરાવ્યો હતો. આ ઉપરાંત તેમણે NEP ડેશબોર્ડનું લોકાર્પણ કર્યું હતું. પ્રાસંગિક ઉદ્બોધનમાં તેમણે કહ્યું, કેન્દ્રની મોદી સરકારે GST રિફોર્મનો નિર્ણય લીધો હતો. પહેલી નવરાત્રિથી જ નવા GSTનું અમલીકરણ કરાયું છે.

કેન્દ્રની મોદી સરકારે GST ઘટાડવાનું ઐતિહાસિક પગલું ભર્યું હતું. કેટલીક વસ્તુઓમાં GST શૂન્ય કરાયો છે. GST દેશ ચલાવવા માટે છે દેશની જનતાને લૂંટવા માટે નહીં. સરકારની જરૂરિયાત કરતા વધુ ટેક્સ હશે તો ઓછો કરીશું. દેશમાં 12 લાખ સુધીની આવક પર ટેક્સ શૂન્ય કરાયો છે. દેશમાં આઝાદી બાદ પહેલી વખત ટેક્સમાં ઘટાડો કરવામાં આવ્યો છે.

સોમવારે રાજકોટમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની ભાજપના નેતાઓ સાથે સર્કિટ હાઉસ ખાતે બેઠક મળી હતી, જેમાં ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, જિલ્લા અને શહેર પ્રમુખો તથા પૂર્વ પ્રમુખો સાથે અડધો કલાક સુધી બેઠક યોજી હતી. અમિત શાહે જીએસટી ઘટાડાનો મુદ્દો લોકો સુધી પહોંચાડવા તમામ નેતાઓને સૂચના આપી હતી. જેમાં જીએસટી ઘટાડાનો ફાયદો સામાન્ય લોકો સુધી પહોંચે તેવી વ્યવસ્થા કરવા સૂચના આપી હતી.

આ ઉપરાંત, વધુને વધુ સ્વદેશી ચીજવસ્તુઓનો ઉપયોગ કરવા, ઘરે ઘરે જઇને સ્વદેશી ચીજવસ્તુઓના વપરાશ અંગે જાગૃતતા લાવવા સૂચના પણ આપી હતી. ઉલ્લેખનીય છે કે અમિત શાહે બેઠકમાં જૂના જોગીઓને યાદ કરીને સૂચક સંદેશો આપ્યો હતો અને એક બનીને ભાજપને મજબૂત કરવા સંકેત આપ્યો હતો. જૂના જોગીઓમાં ધનસુખ ભંડેરી, કશ્યપ શુકલ, કમલેશ મિરાણી, અરવિંદ રૈયાણી, ગોવિંદ પટેલ, રક્ષાબેન બોળીયા ઉપસ્થિત રહ્યા હતા.

RDC સહિત રાજકોટ જિલ્લાની 7 સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભામાં હાજર રહેલા અમિત શાહે જણાવ્યું કે, રાજકોટ જિલ્લાની સાત સહકારી સંસ્થાની સાધારણ સભાનું આયોજન છે. 2021માં અમરેલીથી શરૂઆત કરાઈ હતી. રાજકોટમાં જયેશ રાદડિયાએ આ આયોજન કરી સહકારી માળખાને સુદ્રઢ કરવાનું કામ કર્યું છે.

આપણ વાંચો:  સુરતના ગૌરવમાં વધારોઃ પલસાણા ગ્રામ પંચાયતને રાષ્ટ્રીય ઇ-ગવર્નન્સ એવોર્ડ મળ્યો

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button