
ગાંધીનગરઃ પાટનગરમાં ધારાસભ્યો માટે નવા નિવાસસ્થાનની જરૂરિયાત હોવાથી સરકારે પાંચ વર્ષ પહેલા એમએલએ ક્વાર્ટર્સ બનાવવાનું આયોજન કર્યું હતું. નવા આવાસ માટે બજેટમાં પણ વિશેષ જોગવાઈ રાખવામાં આવી હતી.
શહેરના સેકટર-17માં આવેલા જૂના એમએલએ ક્વાર્ટરને તોડીને 9 માળના 12 ટાવરમાં લક્ઝરિયસ ફ્લેટ બનાવવામાં આવ્યા છે. 220 કરોડથી વધુના ખર્ચે ધારાસભ્યો માટે તૈયાર થયેલા ફ્લેટનું કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ભાઈબીજના દિવસે લોકાર્પણ કરશે.
આ આવાસો આધુનિક સુવિધાઓથી સજ્જ છે, જે ગાંધીનગરના વહીવટી અને સાંસ્કૃતિક મહત્ત્વને વધુ ઉજાગર કરશે. આ આવાસમાં ધારાસભ્યને એક ડ્રોઈંગ રૂમ, બે બેડરૂમ, ડાઈનિંગ રૂમ અને રસોડા સહિતના ફ્લેટની સગવડ આપવામાં આવે છે. રહેઠાણનું રોજનું ભાડું રૂ. 1.25 રાખવામાં આવ્યું છે. આમ, જોઈએ તો માસિક માત્ર રૂપિયા 37.5ના ખર્ચે ધારાસભ્યને સરકારી આવાસનો લાભ મળશે.
આવાસમાં પ્રાઇવસીનું પણ ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. એટલે કે સર્વન્ટ રૂમની એન્ટ્રી મેઈન લિફ્ટની બાજુમાં આપવામાં આવી છે. જ્યાંથી સર્વન્ટ સીધો જ કિચન સુધી પહોંચી જશે અને કામકાજ પૂર્ણ કરી રૂમમાં આરામ કરી શકે. વર્ષ 2021માં નવા એમએલએ ક્વાર્ટર્સ તૈયાર કરવા માટે ભૂમિપૂજન કરાયું હતું.
આ સમયે એન્જિનિયરે જુદા-જુદા 3 વિકલ્પ સૂચવ્યા હતા, પરંતુ સરકારે 9 માળના 12 એપાર્ટમેન્ટ બાંધવાનું નક્કી કર્યું હતું. ઉલ્લેખનીય છે કે અગાઉ વર્ષ 1988-89માં આ જ સ્થળે એમએલએ ક્વાર્ટર હતા, પરંતુ બાદમાં એને સેકટર-21માં ખસેડવામાં આવ્યા હતા. સેકટર-21 ખાતે હાલ એમએલએ ક્વાર્ટર્સમાં 14 બ્લોકમાં કુલ 168 મકાન છે
આ પણ વાંચો…ગાંધીનગરમાં અમિત શાહનું મોટું નિવેદન: ‘GST દેશ ચલાવવા માટે છે, લોકોને લૂંટવા નહીં’