મધુર ડેરીમાં ‘પરિવારવાદ’નો વિવાદ: ચૂંટણી પહેલા ચેરમેન શંકરસિંહ રાણા સામે ગંભીર આક્ષેપો

ગાંધીનગર: મધુર ડેરીમાં ચૂંટણી પહેલા વિવાદ સર્જાયો છે, મધુર ડેરીના ચેરમેન શંકરસિંહ રાણા સામે પરિવારવાદના ગંભીર આક્ષેપો કરવામાં આવતા સંસ્થાની આંતરિક રાજનીતિના ગરમાવો આવ્યો હતો.
સંસ્થાના કેટલાક ડિરેક્ટરોએ શંકરસિંહ રાણાએ ફરી ચેરમેન બનવા માટે પોતાના જ પરિવારના પાંચ સભ્યોને અલગ-અલગ મંડળોમાં ચેરમેન બનાવ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. આ મુદ્દે ડિરેક્ટરોમાં ભારે રોષ છે અને તેઓ હવે આ મામલે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરવાની વાત કરી રહ્યા છે.
આપણ વાંચો: ‘દૂધિયું રાજકારણ’: GCMMFની આવતીકાલે ચૂંટણી, જાણો કોણ બનશે અમૂલના નવા સુકાની?
મળતી વિગતો અનુસાર ગાંધીનગરની મધુર ડેરીના ડિરેક્ટરોએ ડેરીના ચેરમેન સામે આક્ષેપ લગાવ્યો હતો કે, રાણા પરિવારના સભ્યોને અલગ-અલગ ગામો અને મંડળોમાં મહત્વપૂર્ણ હોદ્દા પર બેસાડી તેમની પોઝિશન મજબૂત કરવામાં આવી છે. આ પગલાંને કારણે સંસ્થામાં આંતરિક અસંતોષ ફેલાયો છે.
જો કે, મીડિયા સાથેની વાતચીતમાં શંકરસિંહ રાણાએ આ આક્ષેપોને નકારી કાઢ્યા હતા. તેમણે આ મુદ્દે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે, હું જે ગામમાંથી ચેરમેન છું, તે ગામમાંથી મારા પરિવારના સભ્યો ચેરમેન બની શકે નહીં.
મારા પરિવારના સભ્યો જુદા-જુદા ગામોમાં રહે છે. જો તેઓ ચેરમેન બનવા માંગે, તો પોતાના ગામમાંથી નામ નોંધાઈ શકે છે. આમાં કશુ ખોટું નથી અને આ કાનૂની રીતે પણ ચેલેન્જ કરી શકાય એવું નથી.”
તેમણે આગળ જણાવ્યુ હતું કે આ પ્રથા 2012થી ચાલતી આવી છે અને તેને ખોટી રીતે રજૂ કરવામાં આવી રહી છે. તેમના મતે નિયમો અનુસાર કોઈ પણ વ્યક્તિ પોતાના ગામ અથવા મંડળમાંથી ચૂંટણી લડી શકે છે, ભલે તે કોઈના કુટુંબનો સભ્ય કેમ ન હોય.