ગાંધીનગર: અમદાવાદ અને ગાંધીનગરના લોકો માટે એક આનંદના સમાચાર છે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા મેટ્રો રેલ નેટવર્કના બીજા તબક્કાનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. આ રૂટમાં અમદાવાદ અને ગાંધીનગરના મહત્વના સ્થળો જેમ કે જીએનએલયુ, પીડીઇયુ, ગિફ્ટ સિટી, રાયસણ, રાંદેસણ, ધોલાકુંઆ સર્કલ, ઇન્ફોસિટી તેમજ સેક્ટર 1ના વિસ્તારને આવરી લેવાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે મેટ્રો રેલના બીજા તબક્કાના રૂટનો 16 સપ્ટેમ્બરે સેક્ટર-1થી શુભારંભ કરવામાં આવશે.
આ ફેઝમાં મેટ્રોની કનેક્ટિવિટી મોટેરાથી ગાંધીનગર સુધી મળશે, જેમાં ફેઝનો એક કોરિડોર ગિફ્ટ સિટી સુધી જશે. તેના લીધે કર્મચારીઓ અને પ્રવાસીઓને વધુ એક્સેસ મળવાથી સ્થાનિક અર્થવ્યવસ્થાને પણ વેગ મળશે. આ ફેઝ 21 કિલોમીટરનો છે જેમાં શરૂઆતમાં ગાંધીનગરના આઠ સ્ટેશન પર મેટ્રો દોડશે. આવનારા સમયમાં મેટ્રો સચિવાલય, અક્ષરધામ, જૂના સચિવાલય, સેક્ટર 16, સેક્ટર 24 અને મહાત્મા મંદિર સુધી જશે.
33.5 કિ.મીની મેટ્રો યાત્રા માત્ર 65 મિનિટમાં:
મેટ્રો રેલના વિસ્તરણનું એક મહત્વનું પાસું સમય અને ખર્ચની બચત છે. સમયાંતરે ટ્રાફિકમાં થતા વધારા અને મોંઘા પરિહવન સામે મેટ્રો એક વાજબી અને વિશ્વસનીય પરિવહન વિકલ્પ બની રહશે. એક ઉદાહરણથી સમજીએ તો, એપીએમસી(વાસણા)થી ગાંધીનગર સેક્ટર-1 સુધીની 33.5 કિ.મીની મેટ્રો યાત્રા માત્ર 65 મિનિટમાં પૂર્ણ થાય છે જેનો ખર્ચ માત્ર ₹35 રહેશે. તેની સરખામણીએ, ટેક્સીથી આ મુસાફરીનો સમય 80 મિનિટ જેટલો થાય છે જેનું ભાડું ₹ 415થી પણ વધારે થાય છે. ઓટોરિક્શામાં આ ભાડું ₹375 જેટલું રહે છે જેમાં સમય મેટ્રોની આસપાસ અને તેનાથી વધારે રહે છે. સમય અને ખર્ચની બચત થવાથી રોજિંદા મુસાફરો, વિદ્યાર્થીઓ અને ગાંધીનગર અને ગિફ્ટ સિટીની આસપાસના વિસ્તારમાં કામ કરતા કર્મચારીઓ માટે મેટ્રો પરિવહન પસંદગીનો વિકલ્પ બની રહેશે. આ સેવા શરૂ થવાથી અમદાવાદના વ્યસ્ત રસ્તાઓ પર ટ્રાફિકને હળવો કરવામાં મદદ મળશે, જે પ્રદૂષણને દૂર કરવામાં મહત્વપૂર્ણ બની રહેશે.
મેટ્રો રેલ વિસ્તરણ : મુખ્ય મુદ્દા
આ મેટ્રો રેલ વિસ્તરણથી અમદાવાદ અને ગાંધીનગરના મહત્વના સ્થળો પર કનેક્ટિવિટી મળશે અને તેનાથી બહોળી સંખ્યામાં રોજિંદી મુસાફરી કરતા લોકોને ફાયદો મળશે. આ પ્રોજેક્ટ અંગેની મહત્વની વિગતો આ પ્રમાણે છે:
રૂટ અને અંતર:
– મેટ્રોના બીજા ફેઝનો રૂટ 21 કિ.મીનો છે, જે મોટેરાથી ગાંધીનગરના સેક્ટર-1ને જોડશે.
– મોટેરાથી મેટ્રો સીધી ગાંધીનગરના આઠ સ્ટેશન પર દોડશે જેમાં જીએનએલયુ, પીડીઇયુ, ગિફ્ટ સિટી, રાયસણ, રાંદેસણ, ધોલાકુંઆ સર્કલ, ઇન્ફોસિટી અને સેક્ટર-1નો સમાવેશ થાય છે.
પ્રોજેક્ટ ખર્ચ:
– મેટ્રોના ફેઝ-2 પ્રોજેક્ટનો કુલ ખર્ચ ₹ 5,384 કરોડ છે, જેમાં AFD અને KfW જેવી આંતરરાષ્ટ્રીય એજન્સીઓમાંથી ફન્ડીંગ લેવામાં આવ્યું છે. આ નાણાકીય જોગવાઇ નાગરિકોને ઉચ્ચ ગુણવત્તાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ સ્થાનિક આર્થિક વિકાસને વેગ આપવાની સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
મુસાફરીના સમયમાં ઘટાડો:
– આ રૂટના લીધે અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેની મુસાફરીનો સમય નોંધપાત્ર રીતે ઘટે છે. ઉદાહરણ તરીકે, હવે પ્રવાસીઓ એપીએમસી(વાસણા)થી ગિફ્ટ સિટી સુધી એક કલાકની અંદર માત્ર ₹ 35ના ખર્ચે પહોંચી શકે છે.