ગુજરાત અને ન્યૂઝીલેન્ડ કૃષિ-ડેરી ક્ષેત્રે સહભાગી બનશે: મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ

ગાંધીનગરઃ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મહેસાણાના ખેરવાની ગણપત યુનિવર્સિટી પરિસરમાં યોજાઇ રહેલી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સના પ્રથમ દિવસે ન્યૂઝીલેન્ડના રાજદૂત પેટ્રિક જોન રાટાએ મુખ્ય પ્રધાન સાથે વન ટુ વન બેઠક યોજી હતી. તેમણે રીજનલ ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટના અભિનવ વિચાર સાથે ગુજરાતે VGRCની પહેલ કરી તેની પ્રશંસા કરી હતી.
પેટ્રિક જોન રાટાએ તેમની અગાઉની ગુજરાત મુલાકાત દરમિયાન એગ્રીકલ્ચર ડેરી અને કો- ઓપરેટીવ સેક્ટરમાં જે પરસ્પર સહયોગ સંભાવનાના ક્ષેત્રોની વાતચીત થઈ હતી તેની પ્રગતિનો ઉલ્લેખ કર્યો હતો.
તેમણે NDDB અને અમૂલ તથા રાજ્યની એગ્રીકલ્ચર યુનિવર્સિટી સાથે મળીને સહકારિતાની ગતિવિધિઓ સુદ્રઢ કરવાની ઉજ્જવળ સંભાવનાઓની ચર્ચા – વિચારણા કરી હતી.
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે પણ એકવાકલ્ચર અને ટેકનોલોજી શેરિંગના માધ્યમથી પ્રતિ એકર ખેતી પાક વૃદ્ધિ માટે ન્યૂઝીલેન્ડની તજજ્ઞતાનો લાભ ગુજરાત લઈ શકે તેની સંભાવનાઓ ચકાસવા પ્રેરક સૂચન કર્યું હતું.