ગુજરાતમાં આદિવાસી વિદ્યાર્થીઓને મળતી પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ બંધ કરવાના પરિપત્ર સામે ABVP લાલઘૂમ

ગાંધીનગરઃ ગુજરાતમાં આદિવાસી સમાજના વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટેની પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ સરકારે બંધ કરી દીધી હોવાથી વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા હતાં. આ સ્કોલરશિપ ફરી શરૂ કરવા અગાઉ ગાંધીનગરમાં બીરસા મુંડા ભવન ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. હવે ભાજપની વિદ્યાર્થી પાંખ એબીવીપી અને વિદ્યાર્થીઓ દ્વારા પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિના પરિપત્રના વિરોધમાં દેખાવો કર્યા હતાં.
કેટલા વિદ્યાર્થીઓને થઈ સીધી અસર
પ્રાપ્ત વિગતો પ્રમાણે આદિવાસી સમાજના વિદ્યાર્થીઓને મળતી પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિમાં મેનેજમેન્ટ ક્વોટાના વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ ન આપવાના કારણે 60 હજાર વિદ્યાર્થીઓને સીધી અસર થઈ હોવાનો વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો હતો. વિદ્યાર્થીઓએ ગાંધીનગર ખાતે વિરોધ પ્રદર્શન કરીને આ પરિપત્રને રદ કરવા અને શિષ્યવૃતિ આપવા માટેની રજૂઆત કરી હતી.
Also read:પેન્ટેકોસ્ટના આદિવાસીઓ ભોંયભેગા થવામાં ‘ગર્વ’ અનુભવે છે
એબીવીપીના પ્રાંત સહમંત્રી દીપ દેસાઈએ જણાવ્યું કે, ગુજરાતના જનજાતિ ગરીબ-મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ જેમણે કોલેજોમાં એડમિશન લઈ લીધું છે. તેમના વાલીઓને એવું હતું કે, વિદ્યાર્થીઓની ફી સરકાર ભરશે. હવે બિરસા મુંડા ભવનના અધિકારીઓ દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે કે, વિદ્યાર્થીઓની ફી અને તેમને લીધેલું એડિમિશન હવે મેનેજમેન્ટ કોટામાં ગણાશે. તેમની ફી સરકાર નહીં ભરે. આ મામલે વિદ્યાર્થી પરિષદે કલેક્ટરને આવેદન આપ્યું હતું અને સરકારના પ્રધાનને રજૂઆત કરી હતી. પરંતુ કોઈ ઉકેલ ન આવતા વિરોધ કરવામાં આવી રહ્યો છે.