વિધાનસભા સત્રના પહેલા જ દિવસે AAPના ધારાસભ્યો રસ્તાઓ મુદ્દે આક્રમકઃ ઇટાલિયાએ કહી આ વાત | મુંબઈ સમાચાર
ગાંધીનગર

વિધાનસભા સત્રના પહેલા જ દિવસે AAPના ધારાસભ્યો રસ્તાઓ મુદ્દે આક્રમકઃ ઇટાલિયાએ કહી આ વાત

ગાંધીનગરઃ 15મી ગુજરાત વિધાનસભાના સાતમા સત્રનો આજથી વિધિવત્ રીતે આરંભ થયો હતો. ચોમાસુ સત્રના પ્રથમ દિવસે જ રાજ્યમાં રસ્તાઓની કથળતી સ્થિતિ સહિત અન્ય મુદ્દે આમ આદમી પાર્ટી (આપ)ના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવા, ગારીયાધારના ધારાસભ્ય સુધીર વાઘાણી વિધાનસભા ખાતે પહોંચ્યા હતા. આ ત્રણેય ધારાસભ્ય ગુજરાતમાં કથળેલી રોડ-રસ્તાની ખરાબ સ્થિતિને લઈને જનતાનો અવાજ બનીને બેનર અને પોસ્ટર સાથે વિધાનસભામાં પહોંચ્યા હતા અને નારેબાજી કરી હતી.

વિકાસની વાતો કરનારા લોકોને રોડ પરના ખાડા દેખાય

વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, આખા ગુજરાતના રોડ રસ્તાઓ ભયંકર હદે તૂટેલી અને ખાડાવાળી સ્થિતિમાં છે. આ રસ્તા પરથી પસાર થતા લોકોના આ શરીરને, વાહનોને ભારે નુકસાન થઈ રહ્યું છે. લોકો ખૂબ દુઃખી છે અને થાકી ગયા છે. હું મારા વિધાનસભા કાર્યકાળના પહેલા દિવસે જનતાના પ્રતિનિધિ તરીકે ગુજરાતની જનતાનો મુદ્દો લઈને આવ્યો છું. અમે એવી આશા રાખીએ છીએ કે વિકાસની વાતો કરનારા લોકોને રોડ પરના ખાડા દેખાય, ખાડામાં પડેલા વાહનો અને ખાડામાં પડતા માણસોની પીડા દેખાય.

https://twitter.com/AAPGujarat/status/1964959758160732270

જિજ્ઞાસાની સાથે સાથે થોડી નર્વસનેસ

આજે મારો પ્રથમ દિવસ હોવાથી મને અત્યંત ઉત્સાહ, જિજ્ઞાસાની સાથે સાથે થોડી નર્વસનેસ પણ છે. આ વિધાનસભામાં કંઇ રીતે કામગીરી થાય છે, અહીંના લોકો કઈ રીતે કામ કરે છે, અહીંના નિયમો આ તમામ બાબતો વિશે જાણવાની મને જિજ્ઞાસા છે. ગોપાલ ઇટાલિયાએ વધુમાં જણાવ્યું હતું કે, જુનાગઢ, ભેંસાણ અને વિસાવદરના મતદારોએ મને આ મહાન ગૃહની અંદર બેસવાનો અધિકાર આપ્યો છે, અહીંયા હું બેસીને ગુજરાતની જનતા માટે બોલી શકીશ, અવાજ ઉઠાવી શકીશ એ વાતનો મને ઉત્સાહ છે. હું જે કામ કરવા માટે અહીંયા આવ્યો છું એમાં હું કેટલું સારી રીતે પરફોર્મ કરી શકીશ એ બાબતને લઈને હું થોડો નર્વસ છું. મેં 18 જેટલા સવાલો, ચાર જેટલી નોટિસો અને એક ટૂંકી મુદ્દતની નોટિસ એમ કરીને કુલ 25 જેટલા સવાલો મેં સરકારને પૂછ્યા છે. એમાંથી કેટલા પ્રશ્નો સરકારે પસંદ કર્યા છે એ ગૃહની અંદર ગયા પછી મને જાણ થશે.

આ પણ વાંચો…જૂનાગઢમાં આમ આદમી પાર્ટીએ ભાજપમાં પાડ્યું ગાબડું, દિગ્ગજ નેતા જીવાભાઈ મારડિયા આપમાં જોડાયા

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button