વાઇબ્રન્ટ સમિટ ૨૦૨૪માં ઉત્તર ગુજરાત માટે થયેલા એમઓયુના ૭૨ ટકા પ્રોજેક્ટ કાર્યરત થયા

ગાંધીનગરઃ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે પ્રથમ વાઇબ્રન્ટ ગુજરાત રિજિનલ કોન્ફરન્સનો મહેસાણા જિલ્લાથી પ્રારંભ કરાવતા સ્પષ્ટપણે કહ્યું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા ‘વોકલ ફોર લોકલ અને લોકલ ફોર ગ્લોબલ’ના ધ્યેય આવી કોન્ફરન્સને સુપેરે પાર પાડશે. વડા પ્રધાને આત્મનિર્ભર ભારત માટે સ્વદેશી ઉત્પાદનોને વેગ આપવાનું જે આહવાન કર્યું છે, તેમાં સ્થાનિક ઉદ્યોગો પણ સહભાગી થઈ શકે, એટલું જ નહીં પ્રાદેશિક ક્ષમતાઓ પણ વૈશ્વિક સ્તરે ઉજાગર થઈ શકે તે માટે આવી રિજનલ કોન્ફરન્સીસ એક સક્ષમ પ્લેટફોર્મ બનશે. વર્ષ ૨૦૨૪માં વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં થયેલા એમઓયુમાંથી ૭૧૦૦ જેટલા એમઓયુ ઉત્તર ગુજરાત માટે થયા હતા, તેની ભૂમિકા આપતા મુખ્ય પ્રધાને કહ્યું કે, આ એમઓયુના ૭૨ ટકા એટલે કે ૫ હજારથી વધુ પ્રોજેક્ટ તો કમિશન્ડ પણ થઈ ગયા છે.
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે મહેસાણામાં ઉત્તર ગુજરાતના પ્રદેશની વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનો શાનદાર પ્રારંભ કરાવ્યો હતો. મુખ્ય પ્રધાને આ પ્રસંગે યોજાયેલા ટ્રેડ શો અને પ્રદર્શનને પણ ખુલ્લું મૂક્યું હતું. ‘રિજનલ એસ્પિરેશન્સ, ગ્લોબલ એમ્બિશન્સ’ના ધ્યેયમંત્ર સાથે મહેસાણામાં શરૂ થયેલા બે દિવસીય પ્રથમ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં મુખ્ય પ્રધાન અને કેન્દ્રીય પ્રધાનના હસ્તે નવા જીઆઇડીસી એસ્ટેટ્સ અને સ્માર્ટ જીઆઇડીસીની જાહેરાત કરવામાં આવી હતી. ઉત્તર ગુજરાત સહિત અન્ય રિજિયનના ઇકોનોમિક માસ્ટર પ્લાન સહિત સંતુલિત પ્રાદેશિક વિકાસના ધ્યેય સાથે જીઆરઆઈટી દ્વારા તૈયાર કરાયેલા ઉત્તર ગુજરાત અને અન્ય રિજિયનના ઇકોનોમિક માસ્ટર પ્લાનની બુકનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ ઉદ્ઘાટન સમારોહમાં એમઓયુ અને સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ કરારો પણ એક્સચેન્જ કરવામાં આવ્યા હતા.
આ માસ્ટર પ્લાન ગુજરાતના ૩૩ જિલ્લામાં સંતુલિત પ્રાદેશિક વિકાસ દ્વારા રાજ્યની અર્થવ્યવસ્થાને વર્તમાન ૨૮૦ બિલિયન ડૉલર (નાણાકીય વર્ષ ૨૦૨૩)ના કદથી વધારીને ૩.૫ ટ્રિલિયન ડૉલરથી વધુ સુધી પહોંચાડવાના મહત્ત્વકાંક્ષી લક્ષ્યને સિદ્ધ કરવાનો રોડમેપ છે. આ પ્રાદેશિક માસ્ટર પ્લાન્સ દરેક ક્ષેત્રની સ્થાનિક ઉત્પાદન ક્ષમતાઓને અનુરૂપ, ફ્યુચરિસ્ટિક સેક્ટરને લક્ષ્ય બનાવશે.
મુખ્ય પ્રધાને આ પ્રસંગે કહ્યું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વેપારી રાજ્ય તરીકેની ઓળખ બદલવા ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે ૨૦૦૩થી એક અભિનવ પહેલ રૂપે શરૂ કરાવેલી વાઇબ્રન્ટ સમિટની ઉત્તરોતર સફળતાથી ગુજરાત ‘ગ્લોબલ ગેટ વે ટુ ધી ફ્યુચર’ બન્યું છે. એટલું જ નહીં ૨૪ વર્ષમાં ૬૮.૯ બિલિયન યુ.એસ ડોલર એફડીઆઈ અને દેશના વૈશ્વિક ઉત્પાદનમાં ગુજરાત ૧૮ ટકાના ફાળા સાથે અગ્રેસર છે. વડા પ્રધાને આપેલા ગુજરાતના વિકાસના વિઝન અને ક્ષમતા પર લોકોના વિશ્વાસ અને વૈશ્વિક અભિગમને કારણે ગુજરાત આજે દેશનું ગ્રોથ એન્જિન બની ગયું છે.
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, દેશના વિકાસના રોલ મોડલ ગુજરાતની જે પ્રાદેશિક વિશેષતાઓ અને ઉદ્યોગિક ઉત્પાદન ક્ષમતા છે, તેને પણ વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરવા વડા પ્રધાનની પ્રેરણાથી આપણે હવે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનો આ ઉપક્રમ પ્રયોજ્યો છે. આના પરિણામે, સ્થાનિક ઉત્પાદનોને વેગ મળશે, આત્મનિર્ભર ભારતનો મંત્ર સાકાર થશે તથા પ્રાદેશિક કક્ષાએ ઇન્ડસ્ટ્રીયલ ઇન્વેસ્ટમેન્ટ આવતા વડા પ્રધાને મેડ ઇન ઇન્ડિયા- મેક ફોર ધ વર્લ્ડનો જે વિચાર આપ્યો છે એ ગુજરાતના વિવિધ પ્રદેશો પોતાની આગવી પ્રોડક્ટ અને ઔદ્યોગિક ઉત્પાદનોથી સાકાર કરશે.
તેમણે કહ્યું કે, ઉદ્યોગ અને ખેતી બેય માટે પાણી મહત્વનું છે એ વાત ઉત્તર ગુજરાતની ધરતીના પનોતા પુત્ર નરેન્દ્ર ભાઈ સારી રીતે જાણતા હતા અને એટલે જ તેમણે સુજલામ સુફલામ યોજના, નર્મદા યોજના અને લિફ્ટ ઇરીગેશનની વિવિધ યોજનાઓથી ઉત્તર ગુજરાતમાં પાણી પહોંચાડ્યું, એટલું જ નહીં જ્યોતિગ્રામ યોજના દ્વારા ૨૪ કલાક વીજળી પણ પહોંચાડી છે. વીજળી અને પાણી મળતા આ વિસ્તારના ખેડૂતોને એકથી વધુ સિઝનલ પાક લેવાની તક મળી છે અને એગ્રીકલ્ચરમાં વેલ્યુ એડિશનના વડાપ્રધાનશ્રીના વિઝનથી ઉત્તર ગુજરાતમાં એગ્રો ઇન્ડસ્ટ્રી વિકસી છે.
ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું કે, ઉત્તર ગુજરાતની ખાસ કરીને રણ વિસ્તારની ભૂમિ જ્યાં સીધો સૂર્યપ્રકાશ પડે છે, તે સૂર્ય શક્તિના પોટેન્શિયલને સમજીને નરેન્દ્ર મોદીએ એશિયાનો તે સમયનો સૌથી મોટો સોલાર પાર્ક ચારણકામાં વિકસાવ્યો હતો. બેચરાજી માંડલ અને વિઠલાપુરના ઉદ્યોગોથી વંચિત રહેલા વિસ્તારોને સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન બનાવીને આખા વિસ્તારને ઓટો મોબાઈલ ઉદ્યોગોથી ધમધમતા કરી વડા પ્રધાને ગુજરાતને દેશના ઓટો હબ તરીકે પ્રસ્થાપિત કર્યું છે એમ પણ તેમણે ઉમેર્યું હતું.
મુખ્ય પ્રધાને જણાવ્યું કે, વાઇબ્રન્ટ સમિટને કારણે રાજ્યમાં મોટા ઉદ્યોગો આવ્યા તેને અનુરૂપ આનુષાંગિક નાના એમએસએમઈનો પણ વિકાસ થયો છે અને ૨૭ લાખથી વધુ એમએસએમઈ ગુજરાતમાં કાર્યરત છે.
આપણ વાંચો : ભાજપશાસિત દેવગઢ બારિયા નગરપાલિકામાં બબાલઃ પ્રમુખ સામે સાત જ મહિનામાં અવિશ્વાસની દરખાસ્ત