ગાંધીનગર

ગુજરાતમાં ૫૬ ટકાથી વધુ બેન્ક શાખાઓ ગ્રામીણ વિસ્તારોમાં, દેશમાં બેન્કિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિસ્તરણમાં રાજ્યએ લીધી લીડ

ગાંધીનગરઃ નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીની અધ્યક્ષતા હેઠળ SLBC-સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીની ૧૮૭મી બેઠક ગાંધીનગરમાં યોજાઇ હતી. આ બેઠકમાં નાણાકીય વર્ષ ૨૦૨૫ના બીજા ક્વાર્ટરમાં શ્રેષ્ઠતમ કામગીરી કરનારા રાજ્યના 3 લીડ ડિસ્ટ્રિક્ટ મેનેજરનું નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.

હર્ષ સંઘવીએ બેઠકમાં સંબોધન કરતા જણાવ્યું હતું કે, એક સમય હતો જ્યારે, દેશમાં બેન્કિંગ સેવાઓ માત્ર ધનિક અને શહેરી વર્ગ પૂરતી જ સીમિત હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આગવા વિઝનથી અમલમાં આવેલી “પ્રધાનમંત્રી જન ધન યોજના”થી ભારતના બેન્કિંગ ક્ષેત્રમાં અભૂતપૂર્વ ક્રાંતિ આવી છે.

રાજ્યનું બેન્કિંગ નેટવર્ક ૧૧,૦૦૦ શાખાઓ સુધી પહોંચ્યું: હર્ષ સંઘવી

દેશમાં બેન્કિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિસ્તરણમાં આજે ગુજરાતે લીડ લીધી છે. આજે રાજ્યનું બેન્કિંગ નેટવર્ક ૧૧,૦૦૦ શાખાઓ સુધી પહોંચ્યું છે, જેમાંથી ૫૬ ટકાથી વધુ શાખાઓ ગ્રામીણ વિસ્તારોમાં કાર્યરત છે. આ વિશાળ બેન્કિંગ નેટવર્કના માધ્યમથી ગુજરાતમાં પોણા બે કરોડથી વધુ જન ધન બેન્ક ખાતા ખૂલ્યાં છે. જે સાબિત કરે છે કે, રાજ્યનો ગરીબમાં ગરીબ વ્યક્તિ પણ આજે સુદ્રઢ બેન્કિંગ સેવાનો લાભ મેળવી રહ્યો છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

સાયબર ક્રાઇમને લઈ શું બોલ્યા હર્ષ સંઘવી

હર્ષ સંઘવીએ સાયબર ક્રાઇમને હાલના સમયનો સૌથી મોટો પડકાર ગણાવતા કહ્યું હતું કે, સરકાર અને બેન્કિંગ ક્ષેત્ર સાથે મળીને સાયબર ગુનાઓને અટકાવવાની દિશામાં પરિણામલક્ષી કામગીરી કરી શકે છે. તેમણે ઉદાહરણ આપતા કહ્યું હતું કે, રાજ્યના ૧૯૩૦ હેલ્પલાઈન પર ગઈકાલે નોંધાયેલા તમામ સાયબર ગુનાઓમાં ગુજરાત પોલીસને વિવિધ બેન્કોની સહાયથી ૧૦૦ ટકા રાશિ ફ્રીઝ કરવામાં સફળતા મળી હતી.

ગુજરાત પોલીસના પ્રોએક્ટિવ પ્રયાસોમાં બેન્કોનો પણ સાથ-સહકાર મળે, તો દરેક સાયબર ક્રાઇમની ૧૦૦ ટકા રાશિ બ્લોક કરીને ગુનાઓમાં ઘટાડો લાવવામાં સફળતા મળશે. ૧૯૩૦ પર નોંધાતા સાયબર ગુનાઓ માટે ગૃહ વિભાગ, ગુજરાત પોલીસ અને વિવિધ બેન્કોના નોડલ અધિકારીની એક સંયુક્ત સમિતિ બનાવવા માટે પણ નાયબ મુખ્યપ્રધાને તાકીદ કરી હતી.

નાયબ મુખ્યપ્રધાને રાજ્યના એક જાગૃત બેન્ક મેનેજરનું ઉદાહરણ આપતા કહ્યું હતું કે, તાજેતરમાં જ અમદાવાદના એક વૃદ્ધ ડિજિટલ અરેસ્ટનો શિકાર બન્યા હતા. આ વૃદ્ધ સાયબર ઠગોથી ડરીને પોતાની જીવનભરની કમાણી રૂ. ૪૫ લાખની ફિક્સ ડિપોઝિટ તોડાવી નાખી હતી અને ત્યારબાદ આ રકમ કોઈ બીજા ખાતામાં RTGS કરવા તેઓ બેંકમાં પહોંચ્યા હતા. આ બેન્કના સતર્ક મેનેજને કઈંક અજુગતું લાગતા તેમણે વૃદ્ધ વ્યક્તિ પાસેથી એફ.ડી તોડવા અને આટલી મોટી રકમ તાત્કાલિક બીજા ખાતામાં ટ્રાન્સફર કરવા પાછળનું કારણ જાણવાના પ્રયાસો કર્યા હતા.

વૃદ્ધ સાથે વાત કર્યા બાદ ડિજિટલ એરેસ્ટનો કિસ્સો ધ્યાને આવતા મેનેજરે ડરી ગયેલા વૃદ્ધને સમજાવીને તેમની મદદ કરી હતી અને પોતાનો માનવતા ધર્મ નિભાવ્યો હતો. રાજ્યની દરેક બેન્કનો દરેક કર્મચારી જો આટલી સતર્કતાથી અને માનવીય અભિગમ સાથે કામ કરશે, તો ચોક્કસપણે ગુજરાતમાં સાયબર ગુનાઓને ઘટાડવામાં રાજ્ય સરકારને સફળતા મળશે, તેમ સંઘવીએ ઉમેર્યું હતું.

આપણ વાંચો:  આસારામને મળેલી 24 કલાક સુરક્ષા હટાવવામાં આવી! હાઈ કોર્ટે જામીનની શરત રદ કરી

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button