સુશાસનના 4 વર્ષ: મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના, 40 લાખથી વધુ વિદ્યાર્થીઓ લઈ રહ્યા છે લાભ | મુંબઈ સમાચાર
ગાંધીનગર

સુશાસનના 4 વર્ષ: મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના, 40 લાખથી વધુ વિદ્યાર્થીઓ લઈ રહ્યા છે લાભ

ગાંધીનગર: મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે કાર્યકાળ સંભાળ્યો એને આજે 4 વર્ષ પૂર્ણ થયા છે. સુશાસનના આ 4 વર્ષ દરમ્યાન મુખ્ય પ્રધાને વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ થયેલી ગુજરાતની વિકાસયાત્રાને સતત આગળ ધપાવી છે. તેમના મક્કમ નેતૃત્વ હેઠળ ગુજરાતે વિવિધ ક્ષેત્રોમાં પ્રગતિ કરી છે.

આ દરમ્યાન મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા શરૂ થયેલી લોકકલ્યાણકારી યોજનાઓએ રાજ્યની પ્રજાનો સર્વાંગી વિકાસ સુનિશ્ચિત કર્યો છે. આવી જ એક યોજના છે- મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના, જે શિક્ષણ સાથે પોષણના સર્વગ્રાહી અભિગમ સાથે પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓ માટે શરૂ કરવામાં આવી હતી.

આપણ વાંચો: મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠામાં ભારે વરસાદથી પ્રભાવિત સરહદી ગામોની લીધી મુલાકાત

મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના: 40 લાખથી વધુ વિદ્યાર્થીઓને મળે છે કેલરી-પ્રોટીનયુક્ત અલ્પાહાર

મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે 11 ડિસેમ્બર 2024ના રોજ ‘મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના’ની શરૂઆત કરી હતી. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ સુપોષિત ગુજરાત મિશન હેઠળ સરકારી અને અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓને પી.એમ. પોષણ યોજના હેઠળ આપવામાં આવતા બપોરના ભોજન ઉપરાંત પૌષ્ટિક અલ્પાહાર મળે એ સુનિશ્ચિત કરવાનો છે.

પી.એમ.પોષણ યોજના હેઠળ આવરી લેવાયેલ તમામ શાળાઓમાં હાજર રહેલા વિદ્યાર્થીઓ ‘મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના’ હેઠળ નિયમિત લાભ લે છે.

મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના અંતર્ગત સરેરાશ 200 કિલોકેલરી અને 6 ગ્રામ પ્રોટીન ધરાવતો પૌષ્ટિક અલ્પાહાર વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. હાલ, રાજ્યની 32,200થી વધુ પ્રાથમિક શાળાઓના 40 લાખથી વધુ વિદ્યાર્થીઓને કેલરી-પ્રોટીનયુક્ત અલ્પાહાર મળી રહ્યો છે.

આપણ વાંચો: શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકો બસમાં મફત મુસાફરી કરી શકશે, ભૂપેન્દ્ર પટેલે લીધો નિર્ણય

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ‘પઢાઈ ભી, પોષણ ભી’ના ધ્યેયને સાકાર કરી રહી છે ગુજરાત સરકાર

ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના હેઠળ બાળકોને સુખડી, ચણા ચાટ, મિક્સ કઠોળ, મીલેટનો અલ્પાહાર આપવામાં આવે છે. નાણાકીય વર્ષ 2025-26 માટે રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના માટે ₹617.67 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે.

ગુજરાત પીએમ પોષણ યોજના હેઠળ ભોજન ઉપરાંત બાલવાટિકાથી ધોરણ-8 સુધીના તમામ વિદ્યાર્થીઓને અલ્પાહાર આપવાનો નિર્ણય લેનાર અગ્રીમ રાજ્ય છે. ગુજરાત સરકાર આ પોષણલક્ષી યોજનાના અમલ દ્વારા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ‘પઢાઈ ભી, પોષણ ભી’ના ધ્યેયને સાકાર કરી રહી છે.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button