અમદાવાદ, ગાંધીનગરમાં મેટ્રોના કોપર કેબલ ચોરનારી ગેંગ ઝડપાઈ, આવી હતી મોડસ ઓપરેન્ડી | મુંબઈ સમાચાર

અમદાવાદ, ગાંધીનગરમાં મેટ્રોના કોપર કેબલ ચોરનારી ગેંગ ઝડપાઈ, આવી હતી મોડસ ઓપરેન્ડી

ગાંધીનગરઃ થોડા દિવસો પહેલા અમદાવાદ મેટ્રોનો 500 મીટર જેટલો કેબલ ચોરાયો હતો. જેને લઈ બપોર સુધી મેટ્રો સેવા પ્રભાવિત રહી હતી. આ ઘટનાના થોડા દિવસ બાદ ગાંધીનગરમાંથી પણ મેટ્રોનો કેબલ ચોરાયો હતો. ઘટના બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ગાંધીનગર એલસીબી ટીમે દેશના વિવિધ રાજ્યોમાં મેટ્રો લાઇનની કેબલની ચોરીમાં સંડોવાયેલી કુખ્યાત આંતરરાજ્ય ખેકડા ગેંગના ચાર મુખ્ય ઈસમોને ઝડપી લીધા હતા. આ ગુનાઈત ગેંગે અત્યાર સુધીમાં ભારતના અનેક શહેરોમાં કુલ 35થી વધુ મેટ્રો કેબલ ચોરીના ગુનાઓ આચર્યા છે. જેમાં ગુજરાતના અમદાવાદ, ગાંધીનગરની સાથે દિલ્હી, પુણે, પનવેલ, ભોપાલ અને ઇન્દોરનો સમાવેશ થાય છે.

પોલીસ સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે શંકાસ્પદ વાહનો ઓળખી ટીમ આરોપીઓ સુધી પહોંચી હતી. આરોપીઓએ ચોરાયેલ કેબલ કલોલ ખાતે ભાડાના મકાનમાં છુપાવ્યા હતા. પોલીસે કલોલ ખાતેના મકાનમાંથી 368.7 કિલો કોપર વાયર, પ્લાસ્ટિક કવર, કાર, મોબાઇલ ફોન સહિત કુલ ₹8.32 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

પકડી પાડવામાં આવેલા ચાર ઈસમોની પૂછપરછ દરમિયાન ખુલાસો થયો કે, કુલ 13 જેટલા વ્યક્તિઓની ટીમ મળીને આ ગુનાઓ આચરતી હતી. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓએ શાહપુર, ગ્યાસપુર સહિતના મેટ્રો સ્ટેશનોમાં કરેલી અગાઉની ચોરીઓની પણ કબૂલાત કરી હતી.

આવી હતી મોડસ ઓપરેન્ડી

આરોપીઓ અલગ શહેરોમાં જઈ હોટલમાં રોકાતા હતા, પછી ભાડે મકાન અને ફોર વ્હીલર કાર લઈ મેટ્રો લાઇન નજીક રેકી કરીને કેબલ કાપતા હતા. કેબલમાંથી કોપર વાયર અલગ કરી પેક કરીને ટ્રેન મારફતે દિલ્હી મોકલતા હતા.

આ પણ વાંચો -‏‏‎ અમરેલીમાં પતિએ ગળું દબાવીને પત્નીની કરી હત્યા, કારણ જાણીને ચોંકી જશો

100થી વધુ ગુનાનો ઉકેલાઈ શકે છે ભેદ

આરોપીઓએ ગુજરાતમાં કુલ-3, પુણે-મહારાષ્ટ્રના કુલ-12, પનવેલ, નવી મુંબઇ, મહારાષ્ટ્ર ખાતે કુલ-6 તેમજ દિલ્હી ખાતે કુલ-14, ભોપાલ, ઇન્દોર વગેરે ખાતે મળી કુલ 35 મેટ્રોલાઇનના કેબલોની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. હાલમાં દિલ્હી પોલીસે વધુ 80 ગુનાનું લિસ્ટ મોકલ્યું છે, જેને પગલે વધુ તપાસમાં 100થી વધુ ગુનાનો ભેદ ઉકેલાઈ શકે છે.

Back to top button