છેલ્લા એક વર્ષમાં ગીરમાં 166 સિંહોના મૃત્યુ! પણ કારણ શું? સરકારનો વિધાનસભામાં સ્વીકાર | મુંબઈ સમાચાર
ગાંધીનગર

છેલ્લા એક વર્ષમાં ગીરમાં 166 સિંહોના મૃત્યુ! પણ કારણ શું? સરકારનો વિધાનસભામાં સ્વીકાર

ગાંધીનગર: સમગ્ર એશિયા ખંડમાં માત્ર ગુજરાતના ગીરમાં વસતા એશિયાટિક સિંહોના થઈ રહેલા મૃત્યુનો મામલો ખૂબ જ સંવેદનશીલ છે. એશિયાઈ સિંહોના અકાળે થઈ રહેલા મૃત્યુના મુદ્દે ગુજરાત હાઇકોર્ટ અનેક રાજ્ય સરકારની ઝાટકણી કાઢી હતી. તાજેતરમાં જ વન વિભાગ દ્વારા એશિયાઈ સિંહોના 16માં વસ્તી અંદાજ-2025ના આંકડા આજે જાહેર કરવામાં આવ્યા હતા, જેમાં સિંહોની સંખ્યા 891 નોંધાઈ હતી. પરંતુ સિંહોના મૃત્યુના આંકડા પણ એટલા જ ગંભીર છે.

છેલ્લા એક વર્ષમાં 166 સિંહોમાં મૃત્યુ

અમરેલીમાં 6 મહિનામાં 17 સિંહોના મૃત્યુ

છેલ્લા એક વર્ષમાં 166 સિંહોમાં મૃત્યુ

વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડા, વિમલ ચુડાસમા તેમજ આપના ધારાસભ્ય ઉમેશ મકવાણા દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે છેલ્લા એક વર્ષમાં કુલ 166 સિંહોના મૃત્યુ થયા છે. સરકારે ખુદ સ્વીકાર્યું હતું કે ઓગષ્ટ 2023થી જુલાઇ 2024 સુધીમાં 141 મૃત્યુ થયા હતા. જ્યારે ઓગષ્ટ 2024થી જુલાઇ 2025 સુધીમાં આ મોતનો આંકડો 166 સુધી પહોંચી ગયો હતો, ગયા વર્ષની સરખામણીએ 25 સિંહોના મૃત્યુ વધારે છે.

બીમારીને કારણે 81 સિંહોના મૃત્યુ

છેલ્લા એક વર્ષમાં 81 સિંહોના મૃત્યુ બીમારીને કારણે થયા હતા. આંતરિક લડાઈને કારણે 36 સિંહોના મોત, વૃદ્ધાવસ્થા-કુદરતી રીતે 27 સિંહોના મૃત્યુ, માર્ગ અકસ્માતને કારણે 1 સિંહનું મૃત્યુ, ઇલેક્ટ્રિક શોકને કારણે 2 સિંહોના મૃત્યુ, અકસ્માતે કૂવામાં પડી જવાથી 13 સિંહોના મૃત્યુ જ્યારે અકસ્માતે પાણીમાં ડૂબી જવાથી 6 સિંહોના મૃત્યુ થયા હતા. આમ એક વર્ષમાં 166 સિંહોના મૃત્યુ થયા હતા, જેમાંથી 22 સિંહોના અકસ્માતે મૃત્યુ થયા હતા.

અમરેલીમાં 6 મહિનામાં 17 સિંહોના મૃત્યુ

કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાના પ્રશ્નના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે જુલાઇ 2025 સુધીમાં અમરેલી જિલ્લામાં છેલ્લા 6 મહિનામાં 14 સિંહબાળ અને 17 સિંહોના મૃત્યુ થયા હોવાનું સામે આવ્યું હતું. જેમાં મલ્ટિપલ ઓર્ગન ફેકીયરને કારણે 5 સિંહબાળ અને 6 સિંહના મૃત્યુ થયા હતા. ન્યુમોનિયા એનીમિયા, એનોકસિયાના કારણે 5 સિંહબાળના મૃત્યુ તેમજ ન્યુમોનિયા એનીમિયા, એનોકસિયા અને સેપ્ટેસિમિયાનાં કારણે 4 સિંહોના મૃત્યુ થયા છે. શ્વસન, યકૃત અને મૂત્રપિંડની નિષ્ફળતાના કારણે 2 સિંહબાળ અને 4 સિંહના મૃત્યુ થયા હતા. કરોડરજ્જુમાં ઇજા પહોંચતા આઘાતથી તેમજ એનાપ્લાસમોસિસના કારણે 1-1 સિંહબાળનુ મૃત્યુ થયુ હોવાનુ સામે આવ્યું હતુ.

તકેદારીના ભાગરૂપે સરકારે કેટલા ખર્ચ્યા?

સરકારે જણાવ્યું હતું કે સિંહોના કુદરતી મૃત્યુના કિસ્સામાં તકેદારીના ભાગરૂપે સરકાર દ્વારા ભરવામાં આવેલા પગલાં બાબતે છેલ્લા બે વર્ષમાં કુલ રૂ. 3735.6 લાખનો ખર્ચ કરવામાં આવ્યો હતો. ઓગષ્ટ 2023થી જુલાઇ 2024 સુધીમાં સરકારે રૂ. 2035.29 અને ઓગષ્ટ 2024થી જુલાઇ 2025 સુધીમાં રૂ. 1700.31નો ખર્ચ કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું.

આપણ વાંચો:  વિધાનસભામાં માછીમારોનો મુદ્દો: ગીર સોમનાથના 235 પરિવારોને સરકારે ચૂકવી આટલી સહાય….

સંબંધિત લેખો

Back to top button