ગુજરાતમાં 159 નગરપાલિકા અને 8 મહાનગરપાલિકાને E-Nagar પ્રોજેક્ટમાં કરાયો સમાવેશ, શું મળશે સુવિધા?

ગાંધીનગર: રાજ્ય સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગે ઇ-નગર પ્રોજેક્ટ માટે નોડલ એજન્સી તરીકે ગુજરાત શહેરી વિકાસ મિશનની નિમણૂક કરી છે. જે અંતર્ગત રાજ્યની 159 નગરપાલિકાઓ અને 8 મ્યુનિસિપલ કોર્પોરેશનને ઇ-નગર પ્રોજેક્ટમાં આવરી લેવામાં આવ્યા છે, જેથી વધુમાં વધુ નગરજનો રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ લઈ શકે છે.
આ પણ વાંચો: નવા વર્ષે ગુજરાતને મળશે નવી નવ મહાનગરપાલિકા અને સાથે ચૂંટણીઓ પણ
કઈ સેવાઓનો સમાવેશ?
શહેરોમાં વસતા નાગરિકોને ઝડપી સેવાઓ આપતું સેન્ટ્રલ ડિજિટલ પ્લેટફોર્મ “ઇ-નગર” ખૂબ જ ઉપયોગી બની રહ્યું છે. આ પ્લેટફોર્મ મુખ્યત્વે 9 મોડ્યુલ્સ અને 42 જેટલી સેવાઓ પૂરી પાડે છે, જેમાં નાગરિકોને ઓનલાઇન મેરેજ રજીસ્ટ્રેશન, પ્રોપર્ટી ટેક્સ, બિલ્ડિંગ પરમીશન, હોલ બુકિંગ, પ્રોફેશનલ ટેક્સ, એસ્ટેટ મેનેજમેન્ટ, પાણી અને ગટરની સેવાઓ, લાયસન્સ, ફરિયાદો વગેરે વિવિધ સેવાઓનો સમાવેશ થાય છે.
ઇ-ગવર્નન્સ કઈ રીતે થશે ફાયદાકારક?
અત્રે ઉલ્લેખનીય છે કે, ઇ-ગવર્નન્સ અને એમ-ગવર્નન્સ અંતર્ગત તમામ શહેરી સ્થાનિક સંસ્થાઓને સમાન પ્લેટફોર્મ પર લાવવા માટે રાજ્ય સરકારે ઇ-નગર પ્રોજેક્ટ શરૂ કર્યો છે. આ સેન્ટ્રલાઇઝ પ્લેટફોર્મ પર વિવિધ મ્યુનિસિપલ કોર્પોરેશનો અને શહેરી સ્થાનિક સંસ્થાઓ દ્વારા નાગરિકોની અરજીઓનો યોગ્ય અને સમયસર ઉકેલ લાવવામાં આવે છે.