ગાંધીનગરમાં વૈભવ મનવાણીની હત્યાનો ભેદ ઉકેલવા પોલીસની 15 ટીમો કામે લાગી; આ કુખ્યાત ગુનેગાર પર આશંકા | મુંબઈ સમાચાર
ગાંધીનગર

ગાંધીનગરમાં વૈભવ મનવાણીની હત્યાનો ભેદ ઉકેલવા પોલીસની 15 ટીમો કામે લાગી; આ કુખ્યાત ગુનેગાર પર આશંકા

ગાંધીનગર: ગઇકાલે ગાંધીનગર નજીકના અંબાપુર ગામ એક યુવાન તેની મહિલા મિત્ર સાથે નર્મદા કેનાલના સર્વિસ રોડ પર બેઠો હતો તે દરમિયાન અજાણ્યા શખ્સે આવી લૂંટનો પ્રયાસ કર્યો હતો, જો કે બંને મિત્રોએ પ્રતિકાર કરતાં યુવક પર છરીના 12 જેટલા ઘા ઝીંકીને તેની હત્યા કરી દેવામાં આવી હતી, જ્યારે યુવતીને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ બનાવમાં એસ. ઓ. જી. સહિતની પોલીસની 15 ટીમોએ વધુ તપાસ હાથ ધરી છે અને આ હત્યામાં કુખ્યાત ગુનેગાર વિપુલ ઉર્ફે વિષ્ણુ પરમારનો હાથ હોવાની આશંકા સેવાઇ રહી છે.

આ અંગે મળતી વિગતો અનુસાર વૈભવ મનવાણી (રહે. હાંસોલ, અમદાવાદ) તેની મહિલા મિત્ર સાથે રાતના સમયે ગાંધીનગર નજીકના અંબાપુર ગામ પાસે આવેલા નર્મદા કેનાલના સર્વિસ રોડ પર બેઠો હતો. યુવાન તેની બર્થડે પાર્ટીની ઉજવણી કરવા આવ્યો હતો, તે દરમિયાન એક અજાણ્યો શખ્સ ત્યાં આવ્યો હતો અને બંને પાસેથી લૂંટનો પ્રયાસ કર્યો હતો. જો કે તેની સામે આ બંને મિત્રોએ પ્રતિકાર કરતાં શખ્સે હુમલો કરતાં યુવક વૈભવનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટનામાં યુવતીને ગંભીર ઇજાઓ પહોંચતા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.

આ બનાવમાં હુમલો કર્યા બાદ શખ્સ લૂંટ કરીને નાસી ગયો હતો. પોલીસે આ ઘટના અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે યુવતી હાલ બેભાન અવસ્થામાં હોવાથી હજુ હુમલાની વિગતો મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. પોલીસની ટીમે મૃતક યુવાન વૈભવના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવાની કામગીરી હાથ ધરી હતી, ટ્ર ઉપરાંત આસપાસના સ્થળ પર લગાવવામાં આવેલા CCTV ફૂટેજની પણ તપાસ કરીને આરોપીને ઓળખવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

આ બનાવમાં પોલીસે આસપાસના CCTV તપાસ્યા હતા, આ દરમિયાન લગભગ રાત્રિના એક વાગ્યાની આસપાસ એક શખ્સ બાઇક લઈને કેનાલના સર્વિસ રોડ પર જતો જોવા મળ્યો હતો અને તે પાછો બે વાગ્યાની આસપાસ પરત ફરતો પણ જોવા મળ્યો હતો. આ કેસની તપાસ માટે પોલીસે ગુનાહિત ઇતિહાસ ધરાવતા ગુનેગારોની યાદી તૈયારી કરી છે. જો કે પોલીસને આ હત્યામાં કુખ્યાત ગુનેગાર વિપુલ ઉર્ફે વિષ્ણુ પરમારનો હાથ હોવાની આશંકા છે.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button