ગુજરાતમાં 13 ક્લાસ-1 ઓફિસર લાંચ લેતા ઝડપાયા, હર્ષ સંઘવીનો વિભાગ ભ્રષ્ટાચારમાં મોખરે

ગાંધીનગરઃ ગુજરાતમાં 2025માં 13 ક્લાસ-1 ઓફિસર લાંચ લેતા ઝડપાયા હતા. એસીબી દ્વારા ઝડપવામાં આવેલા બાબુઓમાં હર્ષ સંઘવીઓનો વિભાગ ભ્રષ્ટાચારમાં મોખરે રહ્યો હતો. એસીબીએ વર્ષ 2025માં ટ્રેપ, અપ્રમાણસર મિલકત સહિતના કુલ 213 કરોડ રૂપિયા લાંચના કુલ 213 જેટલા ગુના નોંધીને 310 વ્યક્તિઓ વિરૂદ્ઘ કાર્યવાહી કરી છે. જ્યારે 16.59 કરોડની અપ્રમાણસર મિલકતો જપ્ત કરી હતી.
સૌથી વધારે લાંચના ગુના ગૃહ વિભાગ, પંચાયત ગ્રામ અને મહેસુલ વિભાગમાં નોંધાયા હતા. જે ગત વર્ષની સરખામણીમાં 15 ટકા વધારે છે. સૌથી મહત્વની વાત એ છે કે એસીબીએ 123 જેટલા ખાનગી વ્યક્તિઓની લાંચ કેસમાં ધરપકડ કરી હતી.
ટ્રેપના 174 કેસ નોંધાયા
સૂત્રોએ જણાવ્યું કે, વર્ષ 2025માં એસીબીએ કુલ 213 ગુના નોંઘ્યા હતા. જેમાં ટ્રેપના 174 કેસ, ડીકોયના 19, અપ્રમાણસર મિલકતના 16 અને સત્તાનો દુરઉપયોગ કરવાના ચાર ગુનાઓનો સમાવેશ થાય છે. ગુનાઓમાં સંડોવાયેલા અધિકારીઓમાં વર્ગ એકના 13 આરોપીઓ, વર્ગ-2ના 35 આરોપીઓ, વર્ગ-3ના 134 આરોપીઓનો સમાવેશ થાય છ અને વર્ગ ચારના પાંચ કર્મચારીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી.
123 ખાનગી વ્યક્તિ અધિકારીઓ વતી લાંચ લેતા ઝડપાયા
આ ઉપરાંત એસીબીએ 123 જેટલા ખાનગી વ્યક્તિઓને પણ અધિકારીઓ વતી લાંચ લેતા ઝડપી લીધા હતા.એસીબીમાં સૌથી વધારે ગૃહવિભાગના 62, પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના 26 અને મહેસુલી વિભાગના 32 ગુના નોંધાયા હતા. અપ્રમાણસર મિલકતોના 16 ગુના નોંધાયા હતા. જેમાં કુલ 16.59 કરોડની અપ્રમાણસર મિલકતો શોધીને કાર્યવાહી કરવામાં આવી હતી.
એસીબીએ જાહેર કર્યો છે ટોલ ફ્રી નંબર
15 સરકારી બાબુ સહિત 16 ભ્રષ્ટાચારીઓ સામે 17 કરોડની અપ્રમાણસર મિલકતના કેસ નોંધાયા હતા.16 લાંચિયા બાબુઓએ જનતાને લૂંટીને એક જ વર્ષમાં 16 કરોડની અપ્રમાણસર મિલક્ત વસાવી હતી. ઉલ્લેખનીય છે કે એસીબી દ્વારા લાંચ રૂશ્વતની ફરિયાદ માટે ટોલ ફ્રી નંબર 1064 જાહેર કરવામાં આવ્યો છે. જેના પર લોકો જાણકારી આપી રહ્યા છે. તેના આધારે ટ્રેપ ગોઠવીને લાંચિયાને ઝડપવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો…સિંચાઇ વિભાગનો એક્ઝિક્યુટિવ એન્જિનિયર લાંચ લેતાં પકડાયો…



