વિકાસની હરણફાળ: ગુજરાતમાં 2023થી અત્યારસુધીમાં 1189 નવી સહકારી મંડળીઓ શરૂ

ગાંધીનગરઃ રાજ્યના ખેડૂતો-પશુપાલકોની આવક બમણી કરવા, ગ્રામીણ વિસ્તારોમાં સેવાઓનું વિસ્તરણ કરવા અને સહકારી સંસ્થાઓને આધુનિક બનાવવાના હેતુસર ગુજરાતમાં ૧૦,૯૫૭ PACS થકી ૧૩,૮૭૫ પંચાયતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત જાન્યુઆરી, ૨૦૨૩થી અત્યારસુધીમાં રાજ્યમાં નવી ૪૭૬ PACS, ૬૯૧ દૂધ મંડળીઓ અને ૨૨ મત્સ્ય મંડળીઓની રચના પણ કરવામાં આવી છે. આમ, આગામી ૨ વર્ષમાં રાજ્યની તમામ ગ્રામ પંચાયતોને પ્રાઇમરી એગ્રીકલ્ચર ક્રેડિટ સોસાયટી-PACSની સેવાઓથી આવરી લેવાનું રાજ્ય સરકારનું લક્ષ્ય છે.
‘આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ-૨૦૨૫’ની ઉજવણીના ભાગરૂપે ગુજરાતમાં સહકારી ક્ષેત્રને વધુ મજબૂત તેમજ વ્યાપક બનાવવા માટે વિવિધ યોજનાઓ અને પહેલ સુપેરે અમલમાં મુકવામાં આવી રહી છે. જે અંતર્ગત મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અને સહકાર પ્રધાન જગદીશ વિશ્વકર્માના માર્ગદર્શનમાં રાજ્યમાં નવી PACSની રચના અને નાણાકીય સહાય યોજના, અનાજ સંગ્રહ યોજના, PMKSK, પાણી સમિતિ, CSC અને FPS સેવાઓ, જન ઔષધિ કેન્દ્ર, વ્યાજ રાહત અને પ્રોત્સાહન જેવી વિવિધ યોજનાઓ કાર્યરત કરવામાં આવી રહી છે.
રાજ્ય સરકાર દ્વારા નવી PACSને ફર્નિચર ખરીદી માટે ૮૦ ટકા અથવા રૂ. ૧૦ હજારની સહાય તેમજ શેર કેપિટલ માટે મહત્તમ રૂ. ૫૦ હજારની સહાય આપવામાં આવશે. આ ઉપરાંત જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકોને ત્રણ વર્ષમાં રૂ. ૫૦ હજારની સહાય પણ આપવામાં આવશે. ભારતમાં અનાજ સંગ્રહ ક્ષમતાની અછતને પહોંચી વળવા માટે ગુજરાતમાં ૯૨ PACSની પસંદગી કરવામાં આવી છે, જે પૈકી ૫૪ PACSના DPR તૈયાર થઈ ગયા છે. જેમાંથી ૧૪ PACS માટેની લોન પણ મંજૂર થઈ ગઈ છે. વધુમાં, રાજ્ય સરકાર દ્વારા ૫૦૦ મેટ્રિક ટનથી વધુ ક્ષમતાના ગોડાઉન માટે પ્રોજેક્ટ કોસ્ટના ૫૦ ટકા અથવા રૂ. ૫૦ લાખની સહાય આપવામાં આવે છે. ઉપરાંત ગોડાઉન કે અન્ય માળખાકીય સુવિધા વિકસાવવા માટે PACSને ૨,૫૦૦ ચોરસ મીટર જમીન ૧૦ ટકા જંત્રી દરે ફાળવવામાં આવે છે.
૩,૭૦૯ PACS ઓનબોર્ડ
પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્ર-PMKSK અંતર્ગત રાજ્યમાં ૩,૩૨૮ PACSને અપગ્રેડ કરવામાં આવી છે. આ ઉપરાંત પાણી સમિતિ યોજના અંતર્ગત ૧૯૫ PACSની પસંદગી કરવામાં આવી છે. જે પૈકી ૭૫ PACSના પંચાયત સાથે કરાર કરવામાં આવ્યા છે, જેમાંથી ૫૭ PACSમાં કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. વધુમાં, કોમન સર્વિસ સેન્ટર-CSC માટે કુલ ૩,૭૦૯ PACS ઓનબોર્ડ કરવામાં આવ્યા છે.
PACSને સારી કામગીરી માટે મળશે ઈનામ
રાજ્યમાં કુલ ૭ PACS દ્વારા જન ઔષધિ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યા છે. જેમાં માસિક ૨૦ ટકાના વેચાણ પર રૂ. ૧૫ હજારની મર્યાદામાં સહાય આપવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા PACSને રૂ. ૨૫ લાખ સુધીના કેશ ક્રેડિટ પર પાંચ ટકા વ્યાજ રાહત આપવામાં આવે છે. PACSને સારી કામગીરી માટે જિલ્લા કક્ષાએ પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે અનુક્રમે રૂ. ૫ લાખ, રૂ. ૩ લાખ અને રૂ. ૧ લાખના ઈનામ, જ્યારે તાલુકા કક્ષાએ પ્રથમને રૂ. ૧ લાખ ઈનામ આપવામાં આવશે.
૧૧૦૦ નવા FPOની રચના
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં અને કેન્દ્રીય સહકારિતા પ્રધાન અમિત શાહના નેતૃત્વમાં ‘સહકાર મંત્રાલય’ દ્વારા સમગ્ર ક્ષેત્રના વિકાસ માટે ત્રણ નવી નેશનલ લેવલની સહકારી સંસ્થાઓની સ્થાપના કરવામાં આવી છે. આ ઉપરાંત સેવા સહકારી મંડળીના બહુ આયામી વિકાસ માટે મોડેલ કો-ઓપરેટિવ બાયલોઝ, પેક્સ કમ્પ્યુટરાઈઝેશન, બે લાખ નવી પેક્સનું નિર્માણ, વિશ્વનો સૌથી મોટો ગ્રેઈન સ્ટોરેજ પ્રોગ્રામ, પેક્સને કોમન સર્વિસ સેન્ટર-CSC બનાવવી, ૧૧૦૦ નવા FPOની રચના, પેક્સને પેટ્રોલ પંપ, LPG ડીલરશીપમાં અગ્રતા, ખાતર, જન ઔષધિ કેન્દ્ર જેવા ધંધામાં વૈવિધ્યકરણની યોજનાઓ તથા સોલાર માટેની યોજનાનો અમલ કરાવવા જેવા ૪૫ જેટલા નવીન પગલાઓ પણ લેવામાં આવ્યા છે.
આ પણ વાંચો…રાષ્ટ્રીય રાજકારણમાં વધશે ગુજરાતનું વર્ચસ્વ! જે પી નડ્ડાનું સ્થાન લઈ શકે છે સી આર પાટીલ