રાજ્યના ૧૦૦ ડેમ હાઈએલર્ટ પર, ૨૮ ડેમ એલર્ટ અને ૧૭ ડેમ વોર્નિંગ એલર્ટ પર | મુંબઈ સમાચાર
ગાંધીનગર

રાજ્યના ૧૦૦ ડેમ હાઈએલર્ટ પર, ૨૮ ડેમ એલર્ટ અને ૧૭ ડેમ વોર્નિંગ એલર્ટ પર

ગાંધીનગરઃ રાજ્યમાં ચોમાસાની ઋતુમાં સાર્વત્રિક વરસાદના પરિણામે તા. ૨૮ ઓગસ્ટ ૨૦૨૫ની સ્થિતિએ સરેરાશ ૮૫ ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ૮૯ ટકા વરસાદ, કચ્છમાં ૮૫.૧૪ ટકા, સૌરાષ્ટ્રમાં ૮૩.૮૪ ટકા, જ્યારે પૂર્વ-મધ્યમાં ૮૧.૦૩ ટકા સરેરાશ વરસાદ વરસ્યો છે તેમ, સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.

યાદીમાં વધુમાં જણાવાયું છે કે સાર્વત્રિક વરસાદના પરિણામે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ ૭૯.૦૩ ટકા ભરાયેલો છે. સરદાર સરોવર સિવાય રાજ્યના કુલ ૨૦૬ ડેમમાંથી ૭૫ ડેમ ૧૦૦ ટકા ભરાયેલા છે. જ્યારે ૭૦ ડેમ ૭૦ થી ૧૦૦ ટકા, ૨૫ ડેમ ૫૦ થી ૭૦ ટકા, ૨૦ ડેમ ૨૫ ટકા થી ૫૦ ટકા વચ્ચે અને ૧૬ ડેમ ૨૫ ટકાથી ઓછા ભરાયેલા છે. રાજ્યમાં હાલમાં ૧૦૦ ડેમ હાઈ એલર્ટ, ૨૮ ડેમ એલર્ટ તથા ૧૭ ડેમ વોર્નિંગ એલર્ટ પર રાખવામાં આવ્યા છે.

રાજ્યમાં ચાલુ ચોમાસાની સ્થિતિમાં તા.૦૧ જૂન ૨૦૨૫થી અત્યાર સુધી ૫,૩૧૧ નાગરિકોનું સ્થળાંતર અને પાણીમાં ફસાયેલા ૧૦૦૫ વ્યક્તિઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમની એસ.ટી બસોની ૧૪ હજાર થી વધુ રૂટ ઉપર ૪૦ હજારથી વધુ ટ્રીપ પૂર્ણ કરીને વાહન વ્યવહારની સુવિધા નાગરિકોને પહોચાડવામાં આવી છે. સરકારે દાવો કર્યો છે કે આટલા વરસાદ છતાં એસટી બસની ટ્રીપ રદ કરવામાં આવી નથી અથવા નહીવત સંખ્યામાં બસસેવાને અસર થઈ છે.

આપણ વાંચો:  સુરતમાં લગ્નનો ઈન્કાર કરનાર પ્રેમી સામે રેપની ફરિયાદમાં કોર્ટે પ્રેમીને નિર્દોષ છોડ્યો

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button