
ગાંધીનગર : ગુજરાતમાં આજે નવા મંત્રીમંડળનો ગાંધીનગરના મહાત્મા મંદિરમાં સવારે 11.30 કલાકે શપથવિધિ સમારોહ યોજાશે.જોકે, તે પૂર્વે સીએમ ભુપેન્દ્ર પટેલ સવારે 9 વાગ્યે રાજયપાલ સાથે મુલાકાત કરશે. જેમાં મુખ્યમંત્રી રાજ્યપાલને જુના મંત્રીમંડળના રાજીનામાં આપશે અને નવા મંત્રીઓ અંગેની માહિતી આપશે. આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ નવું મંત્રીમંડળ પૂર્ણ કદનું એટલે કે 27 સભ્યોનું હોઈ શકે છે. તેમજ તેમાં યુવા ચહેરા અને મહિલાઓને પણ સ્થાન આપવામાં આવી શકે છે.
કેટલાક મંત્રીઓને રિપીટ કરવામાં આવશે તેવી ચર્ચા
આ ઉપરાંત આજે યોજનારી શપથવિધિમાં કેટલા મંત્રીને પડતા મુકાય છે. જયારે કેટલાક મંત્રીઓને રિપિટ કરવામાં આવે તેવી ચર્ચાએ રાજકીય વર્તુળોમાં જોર પકડ્યું છે. જોકે, હજુ સાચુ ચિત્ર સ્પષ્ટ થયું નથી. હાલ 15મી વિધાનસભાને બે જ વર્ષની મુદ્દત બાકી છે ત્યારે 192 ધારસભ્યો હોવાથી આ વખતે પૂર્ણકદ અર્થાત 27 સભ્યો ધરાવતા મંત્રીમંડળની રચના થાય તેવી શક્યતા છે.
મંત્રીઓના સામુહિક રાજીનામા લઈ લેવામાં આવ્યા
ઉલ્લેખનીય છે કે, ગુરુવારે રાજ્યમાં તમામ મંત્રીઓના સામુહિક રાજીનામા લઈ લેવામાં આવ્યા હતા. જે પાછળનું કારણ પણ સામે આવ્યું હતું. સૂત્રોના જણાવ્યા પ્રમાણે વહીવટી કારણોસર તમામ મંત્રીઓના રાજીનામા લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત મંત્રીમંડળની શપથવિધિમાં ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી. નડ્ડા, ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી સુનીલ બંસલ અને ગુજરાત ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ પણ હાજર રહેશે. તેમજ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પણ હાજર રહે તેવી શક્યતા છે.
આ પણ વાંચો…ગુજરાતમાં આજે નવા મંત્રીમંડળનો શપથ સમારોહ, મંત્રીઓ નામો અંગે સસ્પેન્સ યથાવત