બનાસકાંઠાના દરેક ગામમાં દારૂના વેપલાનો સર્વે કરાવીને સત્તાધીશોને અવગત કરાવીશું : ગેનીબેન ઠાકોર
રાહુલ ગાંધીના સંસદમાં આપેલા નિવેદન બાદ ગુજરાત કોંગ્રેસે અઢી વર્ષ પહેલાથી જ વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ કરી લીધી હોય તેમ બનાસકાંઠા પંથકમાં સાંસદ ગેની બહેન ઠાકોર સાથે મોરચો ખોલ્યો છે. જનમંચમાં જનતાના પ્રશ્નો સાંભળ્યા બાદ વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, જંગી બહુમતિના ગુમાનમાં રાચતી ડબલ એન્જીન સરકાર ઉત્સવો-મહોત્સવો-રાજકીય એજન્ડામાં વ્યસ્ત અને ભ્રષ્ટાચારમાં મસ્ત સરકાર અને પ્રશાસન પાસે ગુજરાતની સામાન્ય જનતાના પ્રશ્નો-સમસ્યાઓ-ફરીયાદોને સાંભળવાનો સમય નથી ના તો ઈચ્છા છે. વગદાર લોકોની-વગદાર લોકો માટે કામ કરતી સરકારમાં સામાન્ય ગુજરાતીનું કોઈ સાંભળવાવાળું નથી. ત્યારે એક રચનાત્મક વિપક્ષ તરીકે વિધાનસભા કોંગ્રેસ પક્ષ અને પ્રદેશ કોંગ્રેસ સમિતિ આમ ગુજરાતીના પ્રશ્નો-સમસ્યાઓ-રજુઆતો-ફરીયાદો-સુચનો-અવાજને બુલંદ કરવા, મંચ આપવા આજથી સામાન્ય ગુજરાતી માટે “જનમંચ” બીજા તબક્કાનો કાર્યક્રમ શરૂ કરી રહ્યા છે.
માં આંબાના ધામ અંબાજી ખાતે જનમંચ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જનતાની અવાજને બુલંદ કરવા માટેનો કોંગ્રેસનો મંચ એટલે જનમંચ. આજે અંબાજી ખાતે લોકોએ જે રજૂઆતો કરી છે કે આ શ્રદ્ધાના ધામમાં સરકાર અને તેમના મળતિયાઓ દ્વારા શ્રદ્ધાનો વ્યાપાર થઈ રહ્યો છે. આદિવાસી માટેની 73AA ની જમીનોમાં ગેરકાયદેસર રીતે NA કરી જમીનો વ્યાપારીઓને અને બહારના લોકોને પધરાવી દેવામાં આવે છે. જેમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. જે આદિવાસી સમાજને જળ, જંગલ, જમીનનો અધિકાર આપ્યો છે. કોંગ્રેસની સરકાર જંગલ જમીન અધિનિયમ બહાર પાડ્યો આજ દિન સુધી તેની સનદો મળતી નથી, હક મળતો નથી, પોલીસનું પૂરતું મહેકમ નહિ હોવાના કારણે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિને લઈને પ્રશ્નો થયા છે. ખુલ્લેઆમ હપ્તારાજને કારણે દારૂ અંબાજીમાં ઠેર ઠેર મળી રહ્યો છે. લોકો, યુવાધન બરબાદ થઈ રહ્યા છે. સાથે સાથે વિકાસના નામે જે કોરિડોરની વાતો છે. ૫૦૦૦ જેટલા દુકાનો, રહેઠાણના રહીશોને નોટિસ પાઠવવામાં આવી છે. સ્થાનિકોના ભોગે વિકાસ ક્યારેય હોય શકે નહિ. વિકાસનો નકશો હોય તો પહેલાં પ્રસિદ્ધ કરવો જોઈએ, લોકોના વાંધા સૂચન લેવા જોઈએ, સ્થાનિક પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરવી જોઈએ તેવું કંઈ પણ કરવાના બદલે વિકાસના નામે સ્થાનિકોને હટાવી પોતાના ધંધાદારી ભાગીદારોને લાવવા માટેનું એક આયોજન થઈ રહ્યું છે, જેનો લોકો પણ વિરોધ કરી રહ્યા છે.
આ પણ વાંચો : ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં આદિજાતિના કુલ 935 વિદ્યાર્થીઓ JEE-NEETમાં ઉત્તીર્ણ
હત્યા થઈ હોય તેમ છતાં 1 મહિના સુધી તેની FIR નોંધવામાં ન આવે તેવા એક ધર્માભાઈ નામના આગેવાનની હત્યાની પણ કોઈ તપાસ નહિ થતી હોવાની વાત પણ આવી છે. ભરતીના નામે, આઉસોર્સિંગના નામે શોષણ થતું હોય, આદિવાસી વિસ્તારમાં જંગલની જમીનમાં રસ્તા, પાણી,વીજળીના પ્રશ્નો છે. આદિવાસી દીકરા – દીકરીઓ માટે જે છાત્રાલયો હોવા જોઈએ તેની સુવિધા નથી. આવા અનેક પ્રશ્નોની રજૂઆત આ જનમંચના કાર્યક્રમમાં મોટા પ્રમાણમાં થઈ છે. અહીં સ્પષ્ટ થાય છે કે માં અંબાના ધામમાં શ્રદ્ધાના નામે સરકાર વેપાર કરી રહી છે. ધજા ચઢાવવા માટેનો પણ ભાવ નક્કી કરવામાં આવે, પ્રસાદીનો પણ વ્યાપાર થતો હોય. હવે પૂજામાં ધજાની વિધિમાં પણ વ્યાપાર કરવાનો શરૂઆત થઈ છે. સ્થાનિક લોકો જે બ્રાહ્મણો છે. વર્ષોથી તેમની રોજી રોટી ચાલે છે. કુટુંબનો વારસાગત જે સેવા પૂજાનો હક છે તેને પણ છીનવવામાં આવી રહ્યો છે. આ તમામ રીતે સરકારી અધિકારીઓ બેફામ બની ભ્રષ્ટાચાર કરી રહ્યા છે, અધિકારીઓનું રાજ છે અને લોકો એમાં હેરાન પરેશાન થઈ રહ્યાં છે.
કોંગ્રેસ પક્ષ સામાન્ય ગુજરાતીને મંચ પુરો પાડી રહ્યો છે. જ્યાં સામાન્ય ગુજરાતી જે ટેક્સ ભરે છે, મત આપે છે તેની સામે સુવિધાઓ-વિકાસ-ન્યાય મેળવવો તેનો અધિકાર છે. યુવાનો-મહીલાઓ-ખેડૂતો-કામદા રો-કર્મચારીઓ નાના વેપારીઓ-વૃધ્ધો-વિકલાંગો-મજદુરો-શોષિત-પિડિત સહિત એક એક ગુજરાતી “જનમંચ” ઉપર આવી પોતાની વાત-ફરીયાદ-સમસ્યાઓ-સુચનો રજુ કરી શકશે અને તેને બુલંદ અવાજે “જનસભાથી વિધાનસભા સુધી” પહોંચાડવાનું કામ કોંગ્રેસ પક્ષ કરશે. તેઓના હક્ક-અધિકાર-ન્યાય-સન્માનની લડાઈ જનસભાથી વિધાનસભા સુધી કોંગ્રેસ પક્ષ લડશે.
જનમંચને સંબોધિત કરતા બનાસના બહેન ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે ગુજરાતમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતી પણ ખુબ જ ગંભીર છે ત્યારે દેશી-વિદેશી દારુ, જુગાર અને અનૈતિક પ્રવૃત્તિઓ ખુલ્લે આમ ચાલે છે, મહિલાઓની છેડતી અને અત્યાચારના બનાવો બન્યાં છે. માથાભારે લોકો દ્વારા જમીન-મિલકતો પચાવી પાડવામાં આવે છે, પ્રશાસન અને પોલીસ તંત્રને ફરીયાદ અને જાણ કરવા છતાં કાર્યવાહી થતી નથી. અંબાજીમાં રેલવે દ્વારા સંપાદિત જમીનોના બજારભાવ મુજબ વળતર ન મળતા ખેડૂતો અને આદિવાસીઓની રોજી રોટી છીનવાઈ રહી છે. બનાસકાંઠાના યુવાનોને દારૂના ખપ્પરમાં હોમી દેવામાં આવ્યા છે અને તેમને આ બદીથી ઉગારવા બનાસકાંઠાના દરેક ગામમાં દારૂના વેપલાનો સર્વે કરાવીને સત્તાધીશોને અવગત કરાવીશું. જનમંચ કાર્યક્રમ થકી આવેલા પ્રજાના પ્રશ્નો અને સમસ્યાઓના નિવારણ માટે વિધાનસભાથી લઈને સંસદ સુધી કોંગ્રેસ પક્ષ અવાજ ઉઠાવશે.