બનાસકાંઠામાં એક જ પરિવારના ત્રણના વીજળીના કરંટથી મોત

બનાસકાંઠાઃ ગુજરાતમાં સર્વત્ર વરસાદ છે અને સૌથી વધારે વરસાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં જોવા મળે છે. વરસાદને લીધે ઈલેક્ટ્રિક શૉક લાગવાના કિસ્સા વધુ બનતા હોય છે. આવી જ એક દુઃખદ ઘટના બનાસકાંઠાના વાવના ધારધરા ગામમાં બની છે. અહીં માતા-પિતા અને પુત્રના મોત શૉક લાગવાથી થયા છે. નાનકડા ગામમાં એક જ પરિવારના ત્રણ જણ આ રીતે મૃત્યુ પામતા અરેરાટી વ્યાપી ગઈ છે.
આ ઘટનાની મળતી માહિતી અનુસાર વહેલી સવારે ખેતરમાં બોર ચાલુ કરવા ગયેલા પરિવારના પથુભાઈ મકવાણાને શૉક લગાતા તેમના બચાવવા ગયેલા રખુબેન અને જેઠા ભાઈને પણ શૉક લાગ્યો હતો અને ત્રણેયના મોત નિપજ્યા હતા. તેમના મતૃદેહોને વાવની સરકારી હૉસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા બનાસકાંઠા જિલ્લાના શિહોરી નજીકના ઉંબરી ગામમાં વીજ કરંટ લાગવાથી ત્રણ લોકોના મોત થયા હતા, જેમાં ખેતરમાંથી પસાર થતી વીજ લાઈનને લીધે ત્રણના મોત નિપજ્યા હતા, જેમાં માતા, પુત્ર અને પાડોશમાં રહેતી એક બાળકીનો સમાવેશ હતો. વરસાદી માહોલ વચ્ચે કોઈપણ ઈલેક્ટ્રિક ઉપકરણોને હાથ અડાડતા પહેલા થોડું સાવધ રહેવાની જરૂર છે.
આ પણ વાંચો…ઝારખંડના રામગઢમાં ગેરકાયદેસર કોલસા ખનન દરમિયાન દુર્ઘટના; 4ના મોત,6 ગંભીર ઘાયલ