ચાલુ ટ્રેનમાં આર્મીમેનની હત્યાઃ વતનમાં અંતિમ સંસ્કારમાં હજારો જોડાયા

બનાસકાંઠા: વડગામના ગીડાસણ ગામના વતની અને આર્મીમેન જીજ્ઞેશ ચૌધરીની ચાલુ ટ્રેને હત્યા થયા બાદ બુધવારે તેમનો પાર્થિવ દેહ તેમના વતન પહોંચ્યો હતો, જ્યાં સંપૂર્ણ સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તેમના પત્ની અને પરિવારજનોના હૈયાફાટ રૂદને વાતાવરણ ગમગીન કરી નાખ્યું હતું. ગ્રામવાસીઓએ રડતી આંખે તેમને વિદાય આપી હતી. આ સાથે તેમના હત્યારાને સખત સજા મળે તેવી માગણી પણ કરી હતી.
આ પણ વાંચો: ગુજરાતી આર્મી જવાનની ચાલુ ટ્રેનમાં છરીના ઘા મારીને હત્યા, રાજસ્થાનમાં બની ઘટના
બનાસકાંઠા વડગામના રહેવાસી એક આર્મી જવાન જીજ્ઞેશભાઈ પોતાના વતન ટ્રેન મારફત આવી રહ્યા હતા. ચાદર માગવા જેવી સામાન્ય બાબતે વિવાદ થતાં આર્મી જવાનની બિકાનેર પાસે ટ્રેનમાં જ હત્યા થઈ ગઈ હતી. હત્યા કરનારો રેલવેનો કૉચ અડેન્ડર હતો. તેનું નામ ઝુબેર મેમણ હતું. તેણે છરીના ઘા ઝીંકી જીજ્ઞેશભાઈને મોતને ઘાટ ઉતારી દીધા હતા. તેમના મૃતદેહના પોસ્ટમોર્ટમ બાદ તેમનો પાર્થિવ દેહ વતન પહોંચ્યો હતો. તેમના ગામ સહિત આસપાસના ગામોના લોકો પણ તેમની અંતિમયાત્રામાં જોડાયા હતા.



