રબારી સામે આંગળી ચીંધનારને આંગળી કપાઈ જવાનો ડર હોવો જોઈએ, કોંગ્રેસના ટોચના નેતાનું વિવાદાસ્પદ નિવેદન

ડીસાઃ બનાસકાંઠાના ડીસામાં 25 જાન્યુઆરીએ ઉત્તર ગુજરાતના રબારી સમાજનું સંમેલન યોજાશે. આ પહેલા વાવ-થરાદના દિયોદરમાં મળેલી રબારી સમાજની બેઠકમાં પૂર્વ ધારાસભ્ય તેમજ કોંગ્રેસ નેતા ગોવાભાઈ રબારીએ મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, રબારી સામે આંગળી ચીંધનારને આંગળી કપાઈ જવાનો ડર હોવો જોઈએ. તેમના આ નિવેદનને લઈ વિવાદ સર્જાઈ શકે છે.
શું બોલ્યા ગોવાભાઈ રબારી
ગોવાભાઈ રબારીએ સંબોધન કરતાં જણાવ્યું કે, અત્યારે આપણો સમાજ અન્ય સમાજ કરતાં ઢીલો થઈ ગયો છે. અન્ય સમાજમાં નાની માથાકૂટમાં પણ 200 લોકો ભેગા થઈ જાય છે. આપણે સામાજિક રીતે એક થવાની જરૂર છે. આપણા સમાજનો ડર મટી ગયો છે. આપણે કોઈને મારવા નથી કે કોઇની સાથે ઝઘડા કરવા નથી. પણ થોડો ભય તો હોવો જ જોઈએ કે રબારી સમાજ સામે કોઈ ખોટી આંગળી થશે તો આ લોકો આંગળી કાપી નાંખશે.
ઉત્તર ગુજરાતમાં રબારી સમાજ દ્વારા નવા બંધારણને લઈને આગામી 25 જાન્યુઆરીએ ડીસા ખાતે એક વિશાળ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંમેલનની તૈયારીના ભાગરૂપે દિયોદર ખાતે રબારી સમાજની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં નવા બંધારણ અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. જેમાં પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ રબારીએ ઉપરોક્ત નિવેદન આપ્યું હતું.
કોણ છે ગોવાભાઈ રબારી
ગોવાભાઈ રબારી 30 કરતાં વધુ વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા છે. તેઓ સાત વખત કોંગ્રેસમાંથી ધારાસભ્યની ચૂંટણી લડ્યા હતા. ધાનેરામાં 1995માં કોંગ્રેસમાંથી ધારાસભ્ય રહી ચૂક્યા હતા. દિયોદરમાંથી ભાજપના ઉમેદવાર સામે તેઓને એક વખત હારનો સામનો કરવો પડ્યો હતો. તેઓ ડીસાથી બે વખત કોંગ્રેસના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. ગોવાભાઈ રબારી ડીસાના કુચાવાડાના રહેવાસી છે. તે સિવાય તેઓ ગામના સરપંચ અને જિલ્લા પંચાયતમાં પ્રમુખ પણ રહી ચૂક્યા છે. 2023માં તેમણે કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપ્યું હતું. ગોવાભાઇ રબારીએ કોંગ્રેસની કથળતી જતી હાલતના કારણે વિસ્તારના લોકોના કામકાજ સંતોષ પૂર્વકરીતે કરી શકાતા ન હોવાથી કોંગ્રેસમાંથી રાજીનામું આપવાનું કારણ જણાવ્યું હતું.



