બનાસ ડેરી પર શંકર ચૌધરીનો દબદબો, તમામ બેઠક પર કબજો

બનાસકાંઠાઃ ઉત્તર ગુજરાતની સૌથી મોટી બનાસ ડેરી પર શંકર ચૌધરીનો દબદબો કાયમ રહ્યો હતો. બનાસ ડેરીમાં બોર્ડ ઓફ ડિરેટક્ટરની ચૂંટણીમાં તમામ 16 બેઠકો પર શંકર ચૌધરી સમર્થિત ઉમેદવારોની જીત થઈ હતી. મેન્ટેડ પ્રથાના વિરોધ તથા આંતરિક જૂથવાદ વચ્ચે શંકર ચૌધરીની જીત થઈ હતી.
એશિયાની સૌથી મોટી બનાસ ડેરીની ચૂંટણીમાં 15 બેઠક બિનહરીફ જાહેર થઈ હતી. જ્યારે 16મી બેઠક પર બળવો થયો હતો અને ચૂંટણી થઈ હતી. જેમાં શંકર ચૌધરીની પેનલના ઉમેદવારનો વિજય થયો હતો. તમામ બેઠક પર જીત થતાં સમર્થકોમાં જશ્નનો માહોલ છવાયો હતો. આ બેઠક પર 100 ટકા મતદાન નોંધાયું હતું. મતગણતરીમાં મેન્ડેટધારી ઉમેદવાર અમરત પરમાર વિજયી બન્યા હતા. તેમને કુલ 85 મતોમાંથી 55 મત મળ્યા હતા, જ્યારે બળવો કરનારા દિલીપસિંહ બારડને 30 મત જ મળ્યા હતા.
આ પણ વાંચો: બનાસ ડેરીની ચૂંટણીમાં રાજકારણ ગરમાયું: ભાજપના દિગ્ગજ નેતાઓ મેદાનમાં, શંકર ચૌધરી બિનહરીફ
આમ બનાસ ડેરીના નિયામક મંડળની તમામ 16 બેઠકો પર શંકર ચૌધરી સમર્થિત પેનલે વિજય મેળવ્યો હતો. આ પરિણામો પરથી બનાસ ડેરીના સમગ્ર વહીવટી માળખા અને તેના કરોડો રૂપિયાના વાર્ષિક ટર્નઓવર પર શંકર ચૌધરીનો દબદબો યથાવત્ હોવાનું ફરીથી સાબિત થયું હતું. આ જીતથી બનાસકાંઠાના સહકારી રાજકારણમાં તેમનું વર્ચસ્વ વધુ મજબૂત બન્યું હતું.
તાજેતરમાં ગુજરાતની અગ્રણી બનાસ ડેરી દ્વારા 57મી વાર્ષિક સાધારણ સભામાં પશુપાલકો માટે મોટી જાહેરાત કરવામાં આવી હતી. ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ જાહેરાત કરતાં જણાવ્યું કે, બનાસ ડેરી તેના પશુપાલક સભ્યોને કુલ ₹2909.09 કરોડનો ઐતિહાસિક ભાવફેર ચૂકવશે. આ જાહેરાતથી બનાસ ડેરીના પશુપાલકોમાં દિવાળી જેવો માહોલ સર્જાયો હતો. બનાસ ડેરી દૈનિક 1 કરોડ લિટર દૂધની પ્રોસેસિંગ ક્ષમતા ધરાવે છે. બનાસ ડેરી 1.8 લાખ જેટલા શેરધારકો ધરાવે છે, જે 1200 જેટલા ગામોમાં સહકારી દૂધ મંડળીઓમાં વ્યાપેલા છે. હાલમાં, બનાસ ડેરી સાથે 3 લાખ 76 હજારથી વધુ સભાસદો જોડાયેલા છે. આ સભાસદો તેમના પશુઓનું દૂધ દૂધ મંડળીઓમાં ભરાવે છે, અને તેના બદલામાં તેમને દૂધના ભાવ ઉપરાંત ડેરીના નફામાંથી બોનસ પણ મળે છે.