ગુનેગારનો ફિલ્મી અંદાજ: રાજસ્થાનમાં વોન્ટેડ આરોપીએ ગુજરાત પોલીસ પર કાર ચઢાવી, ફાયરિંગ છતાં ફરાર…
પોલીસે ફાયરિંગ કરવા છતાં કાર રોકી નહીં

ઉદયપુર/પાલનપુર: ગુજરાતના વિવિધ પોલીસ સ્ટેશનોમાં વોન્ટેડ ગુનેગાર સુરેશ રાજપુરોહિતને પકડવા પાલનપુર પોલીસની ટીમ ઉદયપુર પહોંચી હતી. પાલનપુર પોલીસને આરોપી ઉદયપુરના શોભાગપુરા સ્થિત વેગાસ-69 ક્લબમાં હોવાની બાતમી મળી હતી, ત્યાર બાદ પોલીસ ટીમ ત્યાં પહોંચી હતી અને વોચ ગોઠવી હતી.
આરોપી ક્લબની બહાર કારમાં બેસતાં જ પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે તેણે કાર રોકવાના બદલે પૂરપાટ ઝડપે હંકારી હતી. આ સમયે કાર પર લટકેલા સબ ઈન્સ્પેક્ટરને કચડવાની કોશિશ કરી હતી. કારના બોનેટ પર લટકેલા સબ ઈન્સ્પેક્ટરે આરોપી પર ફાયરિંગ કર્યું છતાં ગાડી રોકવામાં આવી નહોતી. એટલું જ નહીં, થોડીવાર પછી આરોપી એએસઆઈને નીચે પછાડીને ફરાર થઈ ગયો હતો.
ઘટના સંદર્ભે બનાસકાંઠાના વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું હતું કે એનડીપીએસ (નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ)ના ગુનામાં બનાસકાંઠાથી એક ટીમ રાજસ્થાન ગઈ હતી, જે સંદર્ભે આરોપીએ ગુજરાત પોલીસને જોઈ ગાડી ઉપર ચડાવી દીધી હતી. હાલ પોલીસ વધુ તપાસ કરી રહી છે. આરોપી લગભગ અડધો કિલોમીટર સુધી શેરીઓમાં એસઆઈ સાથે કાર ચલાવતો રહ્યો હતો.
અધિકારીએ વધુમાં જણાવ્યું છે કે જ્યારે તેણે બોનેટ પર લટકતાં આરોપી પર ગોળીબાર કર્યો ત્યારે તેણે ઝડપથી કાર ફેરવી અને મને નીચે પછાડી દીધો હતો. ગેટ તોડ્યા પછી આરોપીએ કાર શેરીઓ તરફ હંકારી મૂકી હતી. આ દરમિયાન પોલીસ પણ તેનો પીછો કરતી હતી. જેના કારણે ભયનો માહોલ છવાઈ ગયો હતો. સમગ્ર ઘટના અંગેના સીસીટીવી પણ સામે આવ્યા હતા.
આ પછી આરોપી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. સબ ઈન્સ્પેક્ટર જયદીપ સરવૈયાએ સુખેર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધ્યો હતો. પોલીસની અલગ અલગ ટીમો આરોપીઓને ઝડપવાના ચક્રો ગતિમાન કર્યા હોવાનું પોલીસે જણાવ્યું હતું.