આખું ગુજરાત ભલે ધાબા પર ફીરકી પકડીને ઊભું હોય, પણ આ ગામમાં જો પતંગ ચગાવી છે તો…
બનાસકાંઠાઃ ગુજરાતમાં ભારે ઠંડી અને પવનો ફૂંકાઈ રહ્યા છે, પરંતુ પતંગરસિયાઓ ધાબા પર પહોંચી ગયા છે અને કન્ની બાંધી, ફીરકી પકડી પતંગો આકાશમાં દેખાવા લાગી છે. મકરસંક્રાતીનું ધાર્મિક અને ભૌગોલિક મહત્વ છે, પરંતુ ગુજરાતના અમદાવાદ, વડોદરા, સુરતમાં ઠેરઠેર પતંગો ચગાવાય છે અને આખા ગુજરાતમાં પણ પતંગો ચગાવવાનો ચસ્કો લોકોને લાગ્યો છે. ત્યારે જો એમ સાંભળવા મળે કે ગુજરાતના એક ગામમાં પતંગ ચગાવવામાં આવતી નથી અને જો કોઈ ભૂલથી ઉડાડે તો દંડ થાય તો? માન્યામાં ન આવે તેવી આ વાત હકીકત છે અને ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના જ એક ગામમાં આમ બને છે.
અહીં ગ્રામજનોએ બનાવેલા આ કાયદાને 1999થી આજદિન સુધી કડક પાલન થઇ રહ્યો છે અને આટલા વર્ષોમાં કોઈપણ વ્યક્તિએ પતંગ ચગાવ્યું હોય તેવી એક પણ ઘટના બની નથી.
આ ગામમાં પતંગ ચગાવશો તો દંડ થશે
ધાનેરામાં આવેલું ફતેપુરા ગામ ગુજરાતનું એક માત્ર એવું ગામ છે જ્યાં કોઈ પતંગ ચગાવતું નથી. અહીં પતંગ ચગાવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે. ગામનો કે અન્ય ગામનો યુવાન અહીં પતંગ ચગાવવા આવી શકતો નથી. ફતેપુરા ગામમાં મોટાભાગના મકાનોની છત પર કઠેડા ન હોવાથી અને હેવી વીજ થાંભલાઓ પણ મકાનની છતને અડીને જ આવેલા છે. જેના કારણે ગામના અનેક બાળકો અને યુવાનો પતંગ ચગાવતા પડી જવાના અને વીજ થાંભલા પરથી પતંગ નીકાળવા જતા મોતને ભેટવાના બનાવ ગામમાં બની ચૂક્યા હતા.
આ ગંભીર પરિસ્થિતિમાં ગામના બાળકોના જીવનની સુરક્ષા માટે 1999માં ગામના વડીલોએ એક ખાસ કાયદો બનાવ્યો હતો. આ કાયદો હતો પતંગ નહીં ચગાવાનો. ગામના વડીલોએ નક્કી કર્યું હતું કે ગામના કોઈપણ બાળક કે યુવાને ઉતરાયણના દિવસે પણ પતંગ ઉડાડવા જશે નહીં. જો કોઈ વ્યક્તિ પતંગ ચગાવતો પકડાય તો તેણે 11 હજાર દંડ અને પાંચ બોરી ધર્માદુ ફટકારવામાં આવશે.
આ નિર્ણય ક્યારથી અમલમાં
ગ્રામજનોના આ નિર્ણયથી 1999થી આ ગામમાં ઉતરાયણના નામે કોઈ જ જાનહાની થઇ નથી. એટલું નહી પતંગ- દોરી પાછળ થતા ખર્ચ પણ અટકી જાય છે. દરેક ગામને શહેરના યુવાનો અને બાળકો જ્યાં ઉતરાયણ પર પતંગની મજા માણતા હોય છે ત્યાં આ ગામના યુવાનો ગાયોને ઘાસચારો નાખી તેમજ ક્રિકેટ રમી ઉતરાયણ મનાવે છે.
આ પણ વાંચો…બેટ દ્વારકામાં ડિમોલિશન ડ્રાઈવ આજે પણ રહેશે ચાલુઃ આટલી જમીન ખુલ્લી કરાવાઈ…
અત્રે ઉલ્લેખનીય છે કે ઉતરાણ પર પતંગ ચગાવાના ચક્કરમાં ઘણી દુર્ઘટનાઓ સર્જાતી હોય છે. ધારદાર પતંગની દોરી પણ અનેક લોકો અને આકાશમાં ઉડતા પક્ષીઓ માટે મોતની દોરી સાબિત થાય છે. તેવામાં બનાસકાંઠાના ફતેપુરા ગામનો આ કાયદો ભલે પાળવો અઘરો છે, પણ ફાયદાકારક ચોકક્સ છે. દરેક ગામ શહેરમાં ભલે આવો કાયદો કડકાઈથી અમલમાં ન મૂકાય ,પણ આપણે સાદો દોરો વાપરીએ, શિસ્ત જાળવીએ અને ખોટા ઘોંઘાટ કે દેખાડા વિના સાદાઈથી તહેવારોની ઉજવણી કરીએ તો પરંપરાઓ પણ સચવાઈ અને આપણી કે અન્યોની હેરાનગતિ પણ ન થાય.