ગુજરાતના આ ગામમાં દારૂ પીતા પકડાયા તો ટકો કરાવવાની સજા થઈ રદ, લાદવામાં આવ્યો તોતિંગ દંડ

બનાસકાંઠાઃ ગુજરાતના એક ગામે જુલાઈ મહિનામાં દારૂ પીતા પકડાયા તો ટકો કરાવવાની સજા જાહેર કરી હતી. જોકે ધીમે ધીમે ગામમાં વિરોધ થયા બાદ શાંતિ પૂર્ણ મીટિંગ યોજાઈ હતી. જેમાં 51,000 રૂપિયાનો તોતિંગ દંડ લગાવવામાં આવ્યો હતો.
શું છે વિગત?
બનાસકાંઠા જિલ્લાના ધુવા ગામમાં જુલાઈમાં જો કોઈ દારૂ પીતા પકડાય તો ટકો કરાવીને ગામમાં ફેરવવાનો નિયમ બનાવાયો હતો. આ પગલાનો હેતુ ગુજરાતમાં દારૂબંધીને મજબૂત કરવા માટે ડર અને બદનામી પેદા કરવાનો હતો. જોકે ટકો કરાવીને શરમાવવાના નિયમથી ગ્રામજનોમાં છૂપો રોષ હતો. જેના કારણે બનાસકાંઠા જિલ્લાના આ ગામના વડીલોમાં શાંતિપૂર્ણ વિચારણા આવી અને હવે દારૂ પીતા કે દારૂ રાખતા પકડાનાર માટે ફરજિયાત ટકો કરાવવાની સજાને બદલે ₹ 51,000 નો દંડ લાગુ કરવામાં આવ્યો હતો.
સૂત્રોએ જણાવ્યું કે, લોકો તેમના વાળ ગુમાવવા તૈયાર નહોતા. કેટલાક ગ્રામજનોએ જાહેરમાં ટકો કરાવવાનો વિરોધ કર્યો હતો. તેઓએ સૂચવ્યું કે તેના બદલે ભારે દંડ લાદવો જોઈએ. ચર્ચાઓ પછી, દંડની રકમ ₹ 51000 નક્કી કરવામાં આવી હતી. આ સુધારેલા અભિગમની તાત્કાલિક અસર થઈ છે. છેલ્લા એક મહિનામાં, દંડ લાગુ કર્યા પછી, ગામમાં દારૂના સેવન, વેચાણ કે કબજાનો એક પણ કેસ નોંધાયો નથી. દારૂનું સેવન રતાં લોકોમાં ડર ઊભો કરવા માટે દંડ ઇરાદાપૂર્વક આટલો ઊંચો રાખવામાં આવ્યો છે.
ગ્રામજનોનું કહેવું છે કે, લોકો ટકો કરાવીને ફરવા માંગતા નહોતા. તેને અશુભ અને શરમજનક માનવામાં આવે છે. તેથી જ ગામલોકોએ સજાની પદ્ધતિ બદલવાનું નક્કી કર્યું હતું. ઘણા લોકો પહેલેથી જ દંડ ટાળવાનો પ્રયાસ કરી રહ્યા છે. કેટલાક દારૂ પીવા માટે બીજા ગામોમાં જાય છે, જ્યારે કેટલાક પીધા પછી ધરપકડ વહોરી લે છે. અગાઉ લોકોએ ટકો કરાવવાનો વિરોધ કર્યો હતો. જો તેઓ દંડનો પણ વિરોધ કરવાનું શરૂ કરશે, તો કદાચ તેનો પણ અમલ નહીં થાય.



