ગુજરાતમાં વધુ એક ભયાનક દુર્ઘટના; ડીસા બ્લાસ્ટ મામલે કોંગ્રેસ અને આપએ રાજ્ય સરકારને ઘેરી…

ડીસા: આજે બનાસકાંઠાના ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થવાને કારણે 21 શ્રમિકોના મોત (Deesa Firework Factory blast) થયા છે, હજુ રેસ્ક્યુ ઓપરેશન ચલવવામાં આવી રહ્યું છે. અહેવાલ મુજબ આ ફટાકડાની ફેક્ટરી ગેરકાયદે ચાલી રહી હતી, ફેક્ટરી માલિકો પાસે ફટાકડા બનાવવાનું લાયસન્સ ન હતું. હાલ પોલીસની ટીમ ફેક્ટરીના માલિકોને શોધી રહી છે.
રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ડીસા ફેક્ટરી દુર્ઘટના નાગે દુઃખ વ્યક્ત કર્યું છે. મુખ્ય પ્રધાને X પર એક પોસ્ટ કરીને લખ્યું છે, “ડીસામાં ફટાકડાના ગોડાઉનમાં વિસ્ફોટ થવાથી આગ લાગવાના લીધે અને સ્લેબ ધરાશાયી થવાના લીધે શ્રમિકોના મૃત્યુની ઘટના હૃદયદ્રાવક છે. દુ:ખની આ ઘડીમાં મારી આત્મીય સંવેદના મૃતકોના સ્વજનોની સાથે છે. આ દુર્ઘટનામાં રાહત-બચાવ અને સારવારની કામગીરીને લઈને હું વહીવટીતંત્ર સાથે સતત સંપર્કમાં છું. ઈશ્વર મૃતક શ્રમિકોના આત્માને શાંતિ આપે અને ઈજાગ્રસ્તોને સત્વરે સાજા કરે તેવી પ્રાર્થના કરું છું.”
મુખ્ય પ્રધાને આ ઘટનામાં મૃત્યુ પામેલા શ્રમિકોના પરિજનને રૂપિયા 4-4 લાખ અને ઈજાગ્રસ્તોને 50-50 હજારની સહાય જાહેર કરી છે.
બીજી તરફ આ ઘટના મામલે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી(AAP)એ આક્રમક વલણ દાખવ્યું છે.
ગેનીબેન ઠાકોરના રાજ્ય સરકાર પર પ્રહાર:
બનાસકાંઠા લોકસભા મત વિસ્તારથી કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે કહ્યું કે, વહીવટી તંત્રની મોટી બેદરકારી છે. નિર્દોષ લોકોના મૃત્યુ પામ્યા છે, એમના પરિવારજનોને ન્યાય મળે એ માટે ઉચ્ચ કમિટી બનાવવા માટે હું રજૂઆત કરીશ.
ગેની બેને રાજ્ય સરકાર પ્રહારો કરતા કહ્યું કે રાજકોટ પછીની આ બીજી ગોઝારી ઘટના બની છે. જો રાજકોટ અગ્નિકાંડ બાદ તંત્રએ યોગ્ય કાર્યવાહી કરી હોત, તો કદાચ આ દુર્ઘટના ન બની હોત. હું અપેક્ષા રાખું કે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે.
શક્તિસિંહ ગોહિલે શું કહ્યું?
કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું અને રાજ્યસરકાર સામે ગંભીર સવાલો ઉભા કર્યા. શક્તિસિંહ ગોહિલે X પર એક વિડીયો પોસ્ટ કરીને કહ્યું, ‘અતિશય દુઃખદ સમાચાર મળ્યા કે, બનાસકાંઠાના ડીસામાં ફટાકડાના ગોડાઉનમાં ભીષણ આગ લાગવાના કારણે 17 લોકોના દુઃખદ મૃત્યુ થયા. ગુજરાતમાં વારંવાર આવી ઘટનાઓ બને છે. સુરતનું તક્ષશિલા હોય કે રાજકોટનો અગ્નિકાંડ હોય, કેટલાય લોકોએ જીવ ગુમાવ્યા. તેમ છતાં સરકારને કોઈ ચિંતા જ નથી, આ દુઃખની વાત છે. બનાસકાંઠાના ડીસામાં નિર્દોષ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો છે, તેમને મારા અને કોંગ્રેસ પક્ષ વતી શ્રદ્ધાસુમન સમર્પિત કરું છું. સદગતના પરિવારજનોને આ અચાનક આવી પડેલ દુઃખ સહન કરવાની ઈશ્વર શક્તિ આપે તેવી પ્રાર્થના કરું છું. મૃતકોના પરિવારજનોને શક્ય તેટલી આર્થિક મદદ સરકારશ્રી કરે તેવી વિનંતી કરું છું.”
ઈસુદાન ગઢવીના સરકાર પર આકરા પ્રહાર:
ડીસાની ઘટના અંગે આમ આદમી પાર્ટી(AAP)ના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી (Isudan Gadhvi)એ રાજ્ય સરકાર પર આકરા પ્રહાર કર્યા. ઈસુદાન ગઢવીએ કયું કે, સરકાર અને તંત્રની બેદરકારીના કારણે આજે 20થી વધુ લોકોના મોત થયા છે. આ ઘટના માટે જે પણ ભાજપના નેતાઓ અને અધિકારીઓ જવાબદાર હોય સરકાર તમામ લોકોના ઘરે બુલડોઝર મોકલે. ભાજપ સરકાર આવી ઘટનાઓને રોકવામાં નિષ્ફળ રહી છે, ભાજપને સરકાર ચલાવતા નથી આવડતું.
જીગ્નેશ મેવાણીએ પણ રોષ વ્યક્ત કર્યો:

વડગામના વિધાનસભ્ય જીગ્નેશ મેવાણીએ પ્રેસ દરમિયાન જણાવ્યું કે, લાયસન્સ વગર ચાલતા ગોડાઉનમાં ફટાકડાનો કારોબાર ચાલતો હતો જેમાં આગ લાગતાં બાળકો સહિત 21 લોકોના મૃત્યુ થયા છે. ગુજરાતમાં તક્ષશિલા, મોરબી, હરણી જેવી ઘટનાઓ ઘટી ચુકી છે. રાજકોટના TRP ગેમ ઝોન અગ્નિકાંડમાં પણમાં પણ લોકોના મોત નીપજ્યા હતાં. સરકાર ફક્ત સહાય આપે છે, પરંતુ ન્યાય મળે તેવી પરિસ્થિતિનું નિર્માણ સરકાર કરી શકતી નથી.
આપણ વાંચો : ડીસામાં ફટાકડા ફેક્ટરીમાં બોઇલર ફાટ્યું, 7 શ્રમિકોનાં મોત