બનાસકાંઠામાં સફેદ પાવડરની આડમાં ટ્રકમાંથી રૂ. સવા કરોડનો વિદેશી દારુ પકડાયો | મુંબઈ સમાચાર
બનાસકાંઠા

બનાસકાંઠામાં સફેદ પાવડરની આડમાં ટ્રકમાંથી રૂ. સવા કરોડનો વિદેશી દારુ પકડાયો

પાલનપુર: બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી)એ દારૂની હેરફેર કરનારાઓ પર એક મોટી કાર્યવાહી કરી હતી. એલસીબી પાલનપુરના સ્ટાફે જિલ્લાના ચિત્રાસણી ગામની સીમ નજીક આવેલા નેશનલ હાઇ-વે પરની એક હોટેલ પાસેથી 1.25 કરોડની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો.

મળતી વિગતો અનુસાર લોકલ ક્રાઇમ બ્રાન્ચ પાલનપુરની ટીમને મળેલી ગુપ્ત બાતમીના આધારે કાર્યવાહી કરીને જિલ્લામાં થતી એક મોટી દારૂની હેરાફેરીને પકડી પાડી હતી. પોલીસે ટ્રકની અંદર સફેદ પાવડરના કટ્ટાની આડમાં છુપાવેલા દારૂના જથ્થાને જપ્ત કર્યો હતો.

પોલીસે વિદેશી દારુની 17,844 નંગ બોટલ તેમ જ ટ્રક સહિત કુલ રૂ. 1.65 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે ટ્રકચાલક શ્રવણકુમાર ચેનારામ (રહે. બલાડ, પોખરણ, જેસલમેર, રાજસ્થાન)ની ધરપકડ કરી હતી.

ઉલ્લેખનીય છે કે પોલીસને રાજસ્થાન બોર્ડર નજીકથી ગુજરાતના અંતરિયાળ વિસ્તારોમાં થતી દારૂની હેરાફેરી થવાની હોવાની બાતમી મળી હતી, જેના આધારે પોલીસે રાજસ્થાન બોર્ડર તરફથી આવતા નેશનલ હાઇ-વે અને અંતરિયાળ માર્ગો પર નાકાબંધી કરી હતી.

બાતમી અનુસારની ટ્રક આવતા પોલીસે રોકીને તેની તપાસ કરતાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આ બનાસકાંઠા જિલ્લામાં એક સાથે પકડાયેલો સૌથી મોટો દારૂનો જથ્થો છે.

આપણ વાંચો:  ડાંગના આહવામાં ભૂસ્ખલન, અંબિકા નદીએ વટાવી ભયજનક સપાટી

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button