પ્રેમી સાથે 'લિવ ઈન'માં રહેતી દીકરીની પરિવારે કરી હત્યા, બનાસકાંઠામાં ખળભળાટ | મુંબઈ સમાચાર

પ્રેમી સાથે ‘લિવ ઈન’માં રહેતી દીકરીની પરિવારે કરી હત્યા, બનાસકાંઠામાં ખળભળાટ

પ્રેમીએ ફરિયાદ નોંધાવ્યા પછી સમગ્ર ઘટનાનો થયો પર્દાફાશ, પોલીસ પ્રશાસન હરકતમાં

થરાદ: બનાસકાંઠા જિલ્લામાં ઓનર કિલિંગની ચોંકાવનારી ઘટના સામે આવી હતી, જ્યાં પુત્રીના પ્રેમ સંબંધથી નારાજ થયેલા પિતાએ તેના દીકરાઓ સાથે મળીને પુત્રીની હત્યા કરી હતી. વળી પુરાવાઓ હાથ લાગે નહીં તેના માટે બન્ને આરોપીએ દીકરીની હત્યા કર્યા બાદ રાતના અંધારામાં જ અંતિમસંસ્કાર કરી દીધા હતા. જો કે આ યુવતીના પ્રેમીએ આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસ પ્રશાસન પણ હરકતમાં આવી ગયું છે.

આ હત્યા અંગે થરાદ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલી ફરિયાદ અનુસાર થરાદના દાંતિયા ગામના સેંધાભાઈ ચૌધરીની દીકરી ચંદ્રિકા પાલનપુરની એક હોસ્ટેલમાં રહેતી હતી અને નીટની પરીક્ષાની તૈયારી કરતી હતી. આ દરમિયાન તે હરેશ ચૌધરી નામના યુવક સાથે સંપર્કમાં આવી હતી. બન્ને વચ્ચેની મિત્રતા પ્રેમ સંબંધમાં પરિણમી હતી અને બન્નેએ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું.

જો કે આ દરમિયાન 4 મેના રોજ યુવતીના પરિવારમાં લગ્નપ્રસંગ હોવાથી તે પાલનપુરથી ગામડે આવી હતી. જો કે પ્રસંગ બાદ પરિવારે યુવતીને પાલનપુર જવાની તેમજ ભણવાની ચોખ્ખી મનાઈ કરી હતી. આ વાત અંગેની જાણ યુવતીએ સોશિયલ મીડિયાના માધ્યમથી તેના પ્રેમી હરેશ ચૌધરીને કરી હતી.

યુવતીએ તેના પ્રેમીને કહ્યું હતું કે મારા પરિવારના લોકો મને ભણવાની ના પાડે છે અને આપણા પ્રેમ સંબંધની વાતની જો પરિવારજનોને ખ્યાલ આવશે તો બળજબરીથી મારા લગ્ન કરાવી દેશે અને મારો મોબાઇલ પણ જપ્ત કરી લેશે, જેથી તું મને અહીથી લઇ જા.

ત્યાર બાદ 4 જૂનના રોજ હરેશ તેની પ્રેમિકા ચંદ્રિકાને લઇને અમદાવાદ ગયો હતો અને જ્યાં બંનેએ મૈત્રી કરાર કર્યા હતા. બાદમાં બંને ફરવા માટે મધ્ય પ્રદેશ અને બાદમાં રાજસ્થાન ગયા હતા. ચંદ્રિકાના પરિવાર દ્વારા થરાદ પોલીસ સ્ટેશનમાં તેના ગુમ થયાની અરજી કરવામાં આવી હતી. આથી થરાદ પોલીસ બંનેની શોધખોળ કરી રહી હતી. આ દરમિયાન પોલીસે બંનેને રાજસ્થાનથી શોધી તેના પરિવારને પરિવારને સોંપી હતી. જ્યારે યુવક હરેશની તેના અગાઉ નોંધાયેલા મારામારી અને પ્રોહિબિશનના ગુનામાં ધકપકડ કરી હતી.

આ દરમિયાન જામીન મંજૂર થયા બાદ હરેશ જયારે જેલ બહાર આવ્યો ત્યારે તેના સોશિયલ મીડિયા અકાઉન્ટ લોગઇન કરતા પ્રેમિકા ચંદ્રિકાના કોલ્સ અને મેસેજ આવેલા હતા. જેમાં તેણે લખ્યું હતું કે- આ પોલીસવાળાઓએ મારી સાથે દગો કર્યો છે. તું આવીને મને લઇ જા નહીં તો મારો પરિવાર મારા બળજબરીથી લગ્ન કરાવી દેશે, જો હુ લગ્નની વાત નહીં માનું તો મારા પરિવારવાળા મને મારી નાંખશે, તું મને બચાવી લે…પ્લીઝ…”

ત્યાર બાદ યુવકે વકીલની સલાહ લઈને ગુજરાત હાઇ કોર્ટમાં હેબીયર્સ કોપર્સ દાખલ કરી હતી, જેથી હાઇ કોર્ટે ચંદ્રિકાને તારીખ 27મી જૂને કોર્ટમાં હાજર કરવા થરાદ પોલીસને જાણ કરી હતી. જોકે, ચંદ્રિકા હાઇ કોર્ટમાં હાજર થાય એ પહેલાં જ તારીખ 24મી જૂનના રાત્રે ચંદ્રિકાના પિતા સેંધાભાઇ ચૌધરી અને તેના કાકા શિવરામ ચૌધરીએ ચંદ્રિકાની હત્યા કરી દીધી હતી.

દીકરીની હત્યા બાદ બંને આરોપીએ મળીને કોઇને જાણ કરી નહોતી કે પોસ્ટમોર્ટમ પણ કરાવ્યું નહોતું. અને કોઈને જાણ થાય તે પહેલા જ રાતોરાત અંતિમસંસ્કાર કરી દેવામાં આવ્યા હતા. વળી બીજી તરફ ચંદ્રિકાએ આત્મહત્યા કરી હોવાની વાતને ઉડાડી હતી. જો કે બીજી તરફ ચંદ્રિકાના પ્રેમી હરેશને આ બનાવ પાછળ શંકા હોવાથી તેણે આ અંગે નિષ્પક્ષ તપાસ થાય તે માટે બનાસકાંઠા એસ. પી.થી લઇને ઉચ્ચકક્ષાના અધિકારીઓ સુધી અરજી કરી હતી.

જેને લઈને થરાદ ડીવાયએસપીની તપાસમાં તેમ જ બાદમાં દાંતા ડિવિઝનના ડીવાયએસપીએ કરેલી તપાસમાં ચંદ્રિકાનું મોત કુદરતી કે આત્મહત્યા નહીં પણ તેના પિતા અને સગા કાકાએ જ તેની હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. તેમજ આ અંગે હરેશે નોંધાવેલી ફરિયાદના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આપણ વાંચો:  ગુજરાતમાં ફરી લમ્પીનો પ્રકોપ: ૧૨ જિલ્લામાં 450થી વધુ કેસ, પશુપાલન વિભાગ હરકતમાં

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button