લાંચ માંગવી પણ ગુનો: વર્ગ 1 અધિકારી સામે ACBનો સકંજો, લાંચ ન સ્વીકારી તો પણ ગુનો નોંધાયો

પાલનપુર: બનાસકાંઠા પંચાયત સિંચાઇ વિભાગ પાલનપુરના ક્લાસ-1 કાર્યપાલક ઇજનેર ચંદ્રકાન્ત ગઢવી સામે એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. ACBના વડા પિયુષ પટેલના આદેશ અંતર્ગત બોર્ડર એકમના મદદનીશ નિયામક કૃષ્ણકુમાર સિંહ ગોહિલ અને તેમની ટીમ દ્વારા આ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. મહત્વની વાત એ છે કે આ કેસમાં લાંચની રકમ સ્વીકારવામાં ન આવી હોવા છતાં, માત્ર લાંચની માંગણી કરવા બદલ જ ગુનો નોંધવામાં આવ્યો છે.
અગાઉ રાપરમાં ફરજ દરમિયાન માંગી હતી લાંચ
મળતી વિગતો અનુસાર ચંદ્રકાન્ત શંકરદાન ગઢવી, જેઓ ગાંધીનગર પંચાયત સિંચાઇ વર્તુળ ગાંધીનગર હસ્તકની બનાસકાંઠા પંચાયત સિંચાઇ વિભાગ પાલનપુર ખાતે કાર્યપાલક ઇજનેર (સિવિલ), વર્ગ-૦૧ તરીકે ફરજ બજાવે છે. તેઓ અગાઉ નાયબ કાર્યપાલક ઇજનેર તરીકે નાયબ કાર્યપાલક ઇજનેરની કચેરી, જળસિંચન પેટા વિભાગ, રાપર-કચ્છ ખાતે ફરજ બજાવતા હતા. તે સમયગાળા દરમિયાન તળાવના સમારકામ અને ઊંડાણ અંગેના કામ મંજૂર કરવા માટે ₹15,000 ની લાંચ માંગી હોવાનો આરોપ છે.
ચંદ્રકાન્ત શંકરદાન ગઢવી, કાર્યપાલક ઇજનેર (સીવીલ), વર્ગ-૦૧, ગાંધીનગર પંચાયત સિંચાઇ વર્તુળ ગાંધીનગર હસ્તકની બનાસકાંઠા પંચાયત સિંચાઇ વિભાગ પાલનપુર, તત્કાલીન નાયબ કાર્યપાલક ઇજનેર, નાયબ કાર્યપાલક ઇજનેરની કચેરી, જળસિંચન પેટા વિભાગ, રાપર-કચ્છ નાઓ વિરૂધ્ધ લાંચની માંગણીનો ગુનો દાખલ કરતી…
— ACB Gujarat (@ACBGujarat) May 6, 2025
વર્ષ 2021માં ACBનું છટકું રહ્યું હતું નિષ્ફળ
આ અંગે ફરિયાદીએ વાતચીત રેકોર્ડ કરી અને ઘટનાની જાણ ACBને કરી હતી અને ACBએ તેની સામે છટકું ગોઠવ્યું હતું. જોકે, આરોપી ચંદ્રકાન્ત શંકરદાન ગઢવીએ લાંચના પૈસા સ્વીકાર્યા ન હતા, જેના પરિણામે પૂર્વ કચ્છમાં ACBની ગાંધીધામ પોસ્ટ પર નોંધાયેલ નિષ્ફળ ટ્રેપ કેસ (નંબર 01/2021) થયો હતો. ત્યારબાદ, અમદાવાદમાં ACB હેડ ક્વાર્ટર દ્વારા પ્રાથમિક તપાસનો આદેશ આપવામાં આવ્યો હતો અને તપાસ દરમિયાન ACBને આરોપીની લાંચ માંગણીને સમર્થન આપતા પુરાવા મળી આવ્યા હતા.
અંતે હવે નોંધાયો ગુનો
જેના આધારે ACBના વડા પિયુષ પટેલના આદેશ અંતર્ગત બોર્ડર એકમના મદદનીશ નિયામક કૃષ્ણકુમાર સિંહ ગોહિલ અને તેમની ટીમ દ્વારા આ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. મહત્વની વાત એ છે કે આ કેસમાં લાંચની રકમ સ્વીકારવામાં ન આવી હોવા છતાં, માત્ર લાંચની માંગણી કરવા બદલ જ ગુનો નોંધવામાં આવ્યો છે. ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ લાંચની માંગણી કરવી પણ ગુનો બને છે. ACBની આ કાર્યવાહીએ લાંચિયા અધિકારીઓમાં દાખલો બેસાડયો હતો.