ડીસામાંથી ડુપ્લિકેટ ચલણી નોટોની ફેક્ટરી ઝડપાઈઃ 40 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત | મુંબઈ સમાચાર
બનાસકાંઠા

ડીસામાંથી ડુપ્લિકેટ ચલણી નોટોની ફેક્ટરી ઝડપાઈઃ 40 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

ડીસાઃ રાજ્યમાં નકલીના રાફડો ફાટ્યો હોય તેમ એક બાદ એક નકલી વસ્તુઓ ઝડપાઈ રહી છે. નકલી પીએમઓ, સીએમઓ, પીએસઆઈ, દારૂ ફેક્ટરી, નકલી વિઝા બાદ હવે ડુપ્લિકેટ નોટોની ફેક્ટરીનો પર્દાફાશ થયો હતો. બનાસકાંઠા એલસીબીએ ડીસા તાલુકાના મહાદેવીયા ગામેથી ડુપ્લિકેટ નોટોની ફેક્ટરી ઝડપી પાડી હતી. એલસીબી ટીમે બાતમીના આધારે દરોડો પાડીને ડુપ્લિકેટ નોટો છાપતા બે આરોપીને ઝડપી પાડ્યા હતા.

મળતી વિગત અનુસાર, પોલીસે ઘટના સ્થળેથી આશરે 40 લાખ રૂપિયાથી વધુની ડુપ્લિકેટ નોટો તથા અન્ય સાધનો જપ્ત કર્યા હતા. આ ઘટનાથી હડકંપ મચી ગયો હતો. પોલીસ દ્વારા આરોપીઓની પૂછપરછ કરીને આ રેકેટમાં સંડોવાયેલા સભ્યોને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કૌભાંડમાં અન્ય કોઈ મોટા માથા સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં પણ તપાસ હાથ ધરી હતી.

નકલી નોટોને કેવી રીતે ઓળખવી?

ભારતીય રિઝર્વ બેંક (RBI) એ નોટોની સુરક્ષા માટે ઘણી સુવિધાઓ ઉમેરી છે. નકલી નોટોને ઓળખવા માટે નીચેની બાબતો ધ્યાનમાં રાખી શકાય છે.

સિક્યોરિટી થ્રેડ: નોટની વચ્ચે એક પાતળી સિક્યોરિટી થ્રેડ હોય છે. અસલી નોટમાં આ થ્રેડ સ્પષ્ટ દેખાય છે અને તેના પર “RBI” અને “ભારત” લખેલું હોય છે.

વોટરમાર્ક: પ્રકાશની સામે જોવાથી મહાત્મા ગાંધીનો વોટરમાર્ક દેખાય છે. નકલી નોટમાં આ વોટરમાર્ક સ્પષ્ટ હોતો નથી.

લેટેન્ટ ઈમેજ: નોટ પર એક ચોક્કસ જગ્યાએ અંક લખેલા હોય છે જે ફક્ત નોટને ત્રાંસી કરીને જોવાથી જ દેખાય છે.

માઇક્રો લેટરિંગ: ગાંધીજીની તસવીર પાસે અને અન્ય સ્થળોએ અત્યંત નાના અક્ષરોમાં “RBI” અને “ભારત” લખેલું હોય છે, જે માત્ર મેગ્નિફાઈંગ ગ્લાસથી જોઈ શકાય છે.

રંગ બદલતી શાહી: રૂ. 500 અને રૂ. 2000 ની નોટમાં અમુક જગ્યાએ રંગ બદલતી શાહીનો ઉપયોગ થાય છે. નોટને ત્રાંસી કરતાં આ શાહીનો રંગ બદલાતો દેખાય છે.

ઉપસેલા પ્રિન્ટિંગ: મહાત્મા ગાંધીની તસવીર, અશોક સ્તંભ, અને RBI લોગો જેવી કેટલીક ડિઝાઈન સ્પર્શ કરવાથી થોડી ઉપસેલી લાગે છે.

આપણ વાંચો:  બોટાદ હોમગાર્ડના કમાન્ડિંગ ઓફિસર સરકારી ગાડીમાં દારૂ સાથે ઝડપાયા

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button