
પાલનપુર: સમાજની સામે દારૂનું વ્યસન સૌથી મોટો પડકાર બનીને ઊભો છે, ત્યારે બનાસકાંઠા જિલ્લાના એક ગામે દારૂની બદીને નાથવા માટે એક અનોખો પ્રયાસ કર્યો છે. ડીસા તાલુકાના ઢુવા ગામે દારૂના વેચાણ અને સેવન કરનારનું સામાજિક બહિષ્કાર ઉપરાંત મુંડન કરીને ગધેડા પર જુલૂસ કાઢવાનો ગામલોકોએ નિર્ણય કર્યો છે.
દારૂના વ્યસનથી ત્રસ્ત છે ગામ
મળતી વિગતો અનુસાર આશરે સાતેક હજારની વસ્તી ધરાવતા ડીસા તાલુકાના ઢુવા ગામના લોકો દારૂના દૂષણથી ત્રસ્ત થઈ ગયા છે અને દારૂનું દૂષણ એટલું વ્યાપી ગયું છે કે યુવાનોની સાથો સાથ બાળકો પણ દારૂના રવાડે ચડેલા છે. જેના કારણે અનેક લોકોના અકાળે મોત પણ થઇ ચૂક્યા હોય અંતે ગામ લોકોએ અંબાજી મંદિર ખાતે યોજાયેલી ગ્રામસભામાં એક થઈને દારૂબંધીનો નિર્ણય કર્યો હતો.
આપણ વાંચો: ગુજરાતમાં બે વર્ષમાં આટલા કરોડનો વિદેશી દારૂ પકડાયો, આંકડો જાણીને ચોંકી જશો
11, 000 રૂપિયાનો દંડ ફટકારાશે
ગામલોકો દ્વારા લેવામાં આવેલા નિર્ણય અનુસાર ઢુવા ગામની અંદર કોઈ પણ વ્યક્તિ દારૂનું સેવન કે વેચાણ કરી શકશે નહીં. તે ઉપરાંત, બહારગામનો કોઈ વ્યક્તિ જો દારૂ વેચતો પકડાશે તો તેને ઢુવા ગામમાં મુંડન કરીને ગધેડા પર વરઘોડો કાઢવામાં આવશે અને 11, 000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. ગામમાં દારૂ વેચનારાઓને આ નિયમોનું પાલન નહીં કરે તો પંચાયત દ્વારા કાયદેસરની કાર્યવાહી કરાશે.