ડીસા અગ્નિકાંડમાં આરોપીઓ સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલઃ ત્રણ રાજ્યોમાં તપાસ

ડીસા: બનાસકાંઠાના ડીસામાં ગેરકાયદે ફટાકડા(Deesa Firework factory blast)ની દિપક ટ્રેડર્સ નામની ફેક્ટરી અને ગોડાઉનમાં મંગળવારે બ્લાસ્ટ થયો હતો. જેમાં 21 શ્રમિકોનાં મોત નિપજ્યાં હતા. જ્યારે ચાર શ્રમિકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ફેક્ટરીના માલિક ખુબચંદ રેણુમલ મોહનાની અને તેના પુત્ર દિપક ખુબચંદ મોહનાની ધરપકડ કરાઈ હતી. આ ઘટનામાં જિલ્લા પોલીસવડાએ પત્રકાર પરિષદ યોજીને જણાવ્યું હતું કે, આરોપી પિતા-પુત્ર સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધવામાં આવ્યો છે.
ત્રણ રાજ્યોમાં તપાસનો ધમધમાટ
બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતું કે, ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની ટીમે પ્રાથમિક તપાસ કરી રિપોર્ટ બનાવ્યો છે. આરોપીઓ તમિલનાડુ, રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં પણ ફટાકડાનો વેપાર કરતા હતા, જેની તપાસ ચાલુ છે. એલ્યુમિનિયમ પાઉડરને કારણે વિસ્ફોટ થયો હતો. એલ્યુમિનિયમમાં બ્લાસ્ટ થાય તો તે ખૂબ સળગે છે, જેના કારણે આટલી મોટી ઘટના બની છે. આ ઘટનમાં બે ઠેકેદારનાં પણ મોત થયા છે. હાલ પોલીસની અલગ-અલગ ટીમો તમિલનાડુ, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને અમદાવાદમાં તપાસ કરી રહી છે.
આ પણ વાંચો: ગુજરાતમાં વધુ એક ભયાનક દુર્ઘટના; ડીસા બ્લાસ્ટ મામલે કોંગ્રેસ અને આપએ રાજ્ય સરકારને ઘેરી…
આરોપીનું વધુ એક ગોડાઉન
તેમણે વધુમાં કહ્યું હતું કે, આરોપીઓ કોની-કોની સાથે સંપર્કમાં હતા, ક્યાં-ક્યાં ભાગ્યા હતા, ક્યાં રોકાયા હતા તે અંગે સાઇબર ટીમ કામ કરી રહી છે. આરોપીઓ છેલ્લા 18થી પણ વધુ વર્ષથી ફટાકડાના વ્યવસાય સાથે જોડાયેલા છે. તેઓ શિવકાશીથી ફટાકડા લાવતા હતા. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, એક ટીમને મહારાષ્ટ્ર મોકલવામાં આવી છે. આરોપીઓએ ક્યાંથી માલ ખરીદ્યો છે. એણે કેટલો માલ ક્યારે લીધો તેની વિગતો સહિત અમને જે બીલો મળી આવ્યા છે તેની પણ અમે સત્યતા ચકાસી રહ્યા છીએ.
જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતું કે, આરોપીઓના સાબરકાંઠામાં પણ ગોડાઉન છે. આરોપીઓના કોની સાથે કનેક્શન હતા તેની તપાસ ચાલી રહી છે, આરોપીના રિમાન્ડ બાદ વધુ માહિતી બહાર આવશે. આ ઉપરાંત દીપક ક્રિકેટ સટ્ટાના ગુનામાં સંડોવાયેલો હતો આ કેસમાં કેમિકલ સાથે સંકળાયેલા નિષ્ણાતોની મદદ લેવાશે આરોપીઓ ભાગ્યા ત્યારે 4 લોકો તેમના સંપર્કમાં હતા. પોલીસની એક ટીમ મહારાષ્ટ્ર અને શીવાકાશી ખાતે તપાસ માટે મોકલવામાં આવી છે.