મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠામાં ભારે વરસાદથી પ્રભાવિત સરહદી ગામોની લીધી મુલાકાત | મુંબઈ સમાચાર
બનાસકાંઠા

મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠામાં ભારે વરસાદથી પ્રભાવિત સરહદી ગામોની લીધી મુલાકાત

બનાસકાંઠાઃ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ભારે વરસાદ પ્રભાવિત બનાસકાંઠા જિલ્લાના સુઈ ગામના અસરગ્રસ્ત વિસ્તારોની જાત મુલાકાત લઈને સમગ્ર સ્થિતિનો તાગ મેળવ્યો હતો.

મુખ્ય પ્રધાન ગુરુવારે બપોરે સુઈગામ પહોંચ્યા હતા અને સુઈગામ સામૂહિક આરોગ્ય કેન્દ્રના આશ્રય સ્થાનમાં આશરો લઈ રહેલા પૂર અસરગ્રસ્તો સાથે વાતચીત કરીને તેમને અપાતી સગવડ તેમજ પૂરથી થયેલા નુકસાનની વિગતો જાણી હતી અને સરકાર આ પૂરની પરિસ્થિતિમાં તેમની પડખે હોવાનો અહેસાસ કરાવ્યો હતો.

આપણ વાંચો: ગુજરાતમાં ભારે વરસાદના લીધે ચોટીલામાં યોજાનારી અરવિંદ કેજરીવાલની રેલી રદ

મુખ્ય પ્રધાને સૂઇ ગામમાં વરસાદી પાણી ભરાયેલા વિસ્તારોમાં અને જલોત્રા સબ સ્ટેશન પણ ગયા હતા અને વરસાદથી ઊભી થયેલી સ્થિતિથી અવગત થયા હતા.

તેમણે સુઈગામ પ્રાંત અધિકારી કચેરીમાં વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, જિલ્લા પ્રભારી પ્રધાન બળવંતસિંહ રાજપુત સહિત પદાધિકારીઓ સાથે બેઠક યોજીને તંત્રએ હાથ ધરેલી બચાવ રાહત કામગીરીની સમીક્ષા કરવા સાથે જરૂરી માર્ગદર્શક સૂચનો કર્યા હતા.

આપણ વાંચો: ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: આજે 5 જિલ્લામાં ‘રેડ એલર્ટ’, રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી!

મુખ્ય પ્રધાને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી આ કામગીરીની સરાહના કરી હતી અને સ્થિતિ પૂર્વવત થાય ત્યાં સુધી આવી જ સંવેદના અને ત્વરાથી કાર્યરત રહેવાની પ્રેરણા આપી હતી.

તેમણે વરસાદી અસરગ્રસ્તોને કેશ ડોલ્સની ચુકવણી ગુરુવારે સાંજથી જ શરૂ કરી દેવા અને ઘરવખરી સહાય ચૂકવવામાં એસ.ઓ.પી બનાવીને તે મુજબની સહાય ચૂકવવા દિશા નિર્દેશો આપ્યા હતા. પશુધન મૃત્યુના કિસ્સામાં સહાયની ચુકવણી વેટર્નરી ઓફિસર દ્વારા ખરાઈ કરીને ચૂકવાય તે માટે સૂચનાઓ આપી હતી.

સુઈગામ સહિતના સરહદી ગામોમાં કનેક્ટિવિટી પૂર્વવત કરવાના આયોજનને અગ્રતા આપવા તેમણે વહીવટી તંત્રને જણાવ્યું હતું. મુખ્ય પ્રધાન પૂરની આવી સ્થિતી વારંવાર ન સર્જાય તે માટે લાંબાગાળાના નિવારણ આયોજનની આવશ્યક્તા સમજાવી હતી.

સમીક્ષા બેઠકમાં બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહીર પટેલે સુઈગામ, વાવ, થરાદ અને ભાભરમાં ૩૪૧૬ ચોરસ કિલોમીટર વિસ્તારના ૨૯૬ જેટલા ગામોને આ ભારે વરસાદથી અસર પહોંચી હોવાની વિગતો પ્રેઝન્ટેશન દ્વારા આપી હતી.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button