‘ભારતમાલા’ હાઇવે પ્રોજેક્ટ: બનાસકાંઠામાં ખેડૂતોનું ‘આંદોલન’, જમીન સંપાદનમાં ‘ભેદભાવ’
પ્રોજેક્ટમાં ખેડૂતોને ૨૦ રૂપિયા તો વેપારીઓને ૪,૫૦૦ રૂપિયાનું વળતર આપવાનો આરોપ

બનાસકાંઠા: જિલ્લામાં કેન્દ્ર સરકારના ડ્રીમ પ્રોજેક્ટ ‘ભારત માલા’ એક્સપ્રેસ હાઈવે સામે ખેડૂતોએ વિરોધ શરૂ કર્યો હતો. કાંકરેજ, દિયોદર, લાખણી અને થરાદ તાલુકાના ખેડૂતોએ જમીન સંપાદનમાં ઓછું વળતર મળવાના આક્ષેપ સાથે સરકાર સામે મોરચો માંડ્યો હતો.
પાલનપુરમાં ચારેય તાલુકાના ખેડૂતો એકઠા થયા હતા. ચડોતર ગામ નજીકથી રેલી સ્વરૂપે કલેકટર કચેરી સુધી પહોંચી જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી પૂરતું વળતર આપવાની માંગ કરી હતી. ખેડૂતોએ ચેતવણી આપી છે કે જો ટૂંક સમયમાં પૂરતું વળતર નહીં મળે તો ગાંધીનગર સુધી કૂચ કરી આંદોલન કરશે.
આપણ વાંચો: એક નહીં 14 દેશમાંથી પસાર થાય છે આ હાઈવે, એક વખત પકડી લીધો તો પછી મહિનાઓ સુધી…
ચોરસ મીટરે 20થી 22 રૂપિયાનો ભાવ
થરાદથી અમદાવાદ વચ્ચે ભારત માલા હાઇવેની કામગીરી શરૂ થઈ છે. ખેડૂતોનો આક્ષેપ છે કે તેમને પ્રતિ ચોરસ મીટરે માત્ર 20થી 22 રૂપિયાનો ભાવ મળી રહ્યો છે. જ્યારે તેમની નજીકની એનએ કરેલી જમીન માટે બિલ્ડરો અને વેપારીઓને પ્રતિ ચોરસ મીટરે 4000થી 4500 રૂપિયા મળી રહ્યા છે. આ ભેદભાવથી ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો.
વેપારીઓ અને બિલ્ડરોને વધારે ભાવ
આ હાઈવે માટે ખેડૂતોની કુલ 1500 વીઘા જમીન સંપાદન થાય છે, જેમાં તેમને વિઘા દીઠ માત્ર 2થી 5 લાખ સુધીનું વળતર આપવાની વાત છે. બીજી તરફ, વેપારીઓ અને બિલ્ડરોની 70 વીઘા એનએ કરેલી જમીન માટે વિઘાદીઠ 4 કરોડ જેટલું વળતર આપવાની ચર્ચા છે.
આપણ વાંચો: અમદાવાદ-થરાદ હાઈવે 60,000 લોકોનું અનાજ દર વર્ષે છીનવી લેશે, જાણો ખેડૂતો શા માટે કરી રહ્યા છે વિરોધ
આમ, ખેડૂતોની 1500 વીઘા જમીનનો ભાવ 50 કરોડ થાય છે, જ્યારે માત્ર 70 વીઘા વેપારી-બિલ્ડરોની જમીન માટે 350 કરોડ ચૂકવવાની વાત છે. ખેડૂતોનું કહેવું છે કે, સરકાર ખેડૂતોની અને એન.એ. કરેલી જમીનના ભાવમાં મોટો તફાવત રાખ્યો છે.
ગેનીબેન ઠાકોરે લખ્યો પત્ર
બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે કેન્દ્રીય પ્રધાન નિતિન ગડકરીને પત્ર લખીને ખેડૂતોને પૂરતું વળતર આપવાની માંગ કરી હતી અને સાથે ભારતીય જનતા પાર્ટીને ભ્રષ્ટચારની પાર્ટી ગણાવીને જણાવ્યું કે, આ ચારેય તાલુકાની જમીન જાહેરનામા પહેલાં મોટા-મોટા બિલ્ડરો અને ભાજપના નેતાઓએ ખેડૂતો સાથે છેતરપિંડી કરી છે. અમારી પાસે તમામ પ્રકારના લિસ્ટ છે, જો સરકાર આમાં ધ્યાન નહીં આપે તો અમે આનો વિરોધ કરીશું અને ઉગ્ર આંદોલન કરીશું.