સરહદી ગામ સુઈગામથી આવતીકાલે બનાસકાંઠાને રૂ. ૩૫૮ કરોડના વિકાસ કામોની ભેટ આપશે | મુંબઈ સમાચાર

સરહદી ગામ સુઈગામથી આવતીકાલે બનાસકાંઠાને રૂ. ૩૫૮ કરોડના વિકાસ કામોની ભેટ આપશે

પાલનપુરઃ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ ઉત્તર ગુજરાતના સરહદી ગામ સુઈગામથી ગુરૂવાર, ૨૪મી જુલાઈએ એક જ દિવસમાં ૩૫૮.૩૭ કરોડ રૂપિયાના બહુવિધ વિકાસ કામોની ભેટ બનાસકાંઠાને આપશે. મુખ્ય પ્રધાન આજે સવારે 10:00 કલાકે સુઈગામ પહોંચશે અને ત્યાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા રૂ. ૧.૮૩ કરોડના ખર્ચે નવનિર્મિત બસ મથકનું લોકાર્પણ કરશે. એસ.ટી. નિગમ દ્વારા આગામી દિવસોમાં નાગરિકોની સેવા માટે મૂકવામાં આવનારી ૧૯૬૩ નવિન બસોના પ્રથમ ચરણમાં ૧૧ નવિન બસોને તેઓ ફ્લેગઓફ પણ આપશે.

આ ઉપરાંત નડાબેટ ખાતે યોજાનારા કાર્યક્રમમાં બનાસકાંઠા જિલ્લાને આરોગ્ય, માર્ગ મકાન, શિક્ષણ, ઉર્જા સહિતના વિભાગોના ૫૫.૬૮ કરોડ રૂપિયાના ઈ-લોકાર્પણ અને ૩૦૨.૬૯ કરોડના ઈ-ખાતમુહૂર્ત કામો ભૂપેન્દ્ર પટેલ સંપન્ન કરશે.
રાજ્ય સરકારે છેવાડાના ગામોના બાળકોને પણ શાળા-શિક્ષણ મળી રહે તે માટે સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત શાળાઓના વર્ગખંડોનું નિર્માણ હાથ ધરેલું છે. બનાસકાંઠામાં આવા ૪૫ નવા વર્ગખંડોના લોકાર્પણ અને ૫૪ના ખાતમુહૂર્ત ગુરુવારે યોજાનારા કાર્યક્રમમાં થશે. બનાસકાંઠા જિલ્લાના ગામોમાં ગુણવત્તા યુક્ત વીજળી પુરવઠો પૂરો પાડવાના હેતુથી અંદાજે રૂપિયા 29 કરોડ ના ખર્ચે નિર્માણ થયેલા 66 કે.વી ના 3 સબ સ્ટેશનના લોકાર્પણ અને બે સબ સ્ટેશનના ખાતમુહૂર્ત તેઓ કરશે.

મુખ્ય પ્રધાન આ વિકાસ કામોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યા બાદ નડાબેટ બોર્ડર આઉટ પોસ્ટ ખાતે બોર્ડર સિક્યુરિટી ફોર્સના જવાનો સાથે સંવાદ-મુલાકાત અને નડેશ્વરી માતાના મંદિરે પૂજન-દર્શન પણ કરશે.

Mayur Kumar

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.
Back to top button