બનાસ ડેરીની ચૂંટણીની તારીખ જાહેર: 10 ઓક્ટોબરે મતદાન, 11 ઓકટોબરે મત ગણતરી

બનાસકાંઠાઃ બનાસ ડેરીની ચૂંટણીની સભાસદો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. જો કે 16 સપ્ટેમ્બરના રોજ બનાસ ડેરીની ચૂંટણીની સત્તાવાર જાહેરાત કરવામાં આવતા જ તેમની આતુરતાનો અંત આવ્યો હતો. પાલનપુર સ્થિત બનાસકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ.ની નાના પાયે શરૂઆત કરવામાં આવી હતી અને આજે એ એશિયાની સૌથી મોટી ડેરી બની ગઇ છે. ડેરીના ચેરમેન વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી છે. ચૂંટણીની જાહેરાત થતાં જ સહકારી ક્ષેત્રે રાજકીય હલચલ શરૂ થઇ ગઇ છે. 16 સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. 10 ઓક્ટોબરના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને 11 ઓક્ટોબરે મતગણતરી કરવામાં આવનારી છે.
બનાસ ડેરીનો ચૂંટણી કાર્યક્રમ મુજબ 16 સપ્ટેમ્બરથી 22 સપ્ટેમ્બર સુધી ઉમેદવારી પત્રો ભરી શકાશે, 22 સપ્ટેમ્બરે ઉમેદવારી પત્રોની પ્રાથમિક યાદી પ્રસિદ્ધ થશે,23 સપ્ટેમ્બરે ઉમેદવારી પત્રોની ચકાસણી થશે, 24 સપ્ટેમ્બરે માન્ય ઉમેદવારી પત્રોની યાદી જાહેર થશે, 29 સપ્ટેમ્બરે ઉમેદવારો પોતાના ફોર્મ પરત ખેંચી શકશે,30 સપ્ટેમ્બરે હરીફ ઉમેદવારોની આખરી યાદી પ્રસિદ્ધ થશે, 10 ઓક્ટોબરે મતદાન યોજાશે, જ્યારે 11 ઓક્ટોબરે મતગણતરી અને પરિણામ જાહેર થશે.
આ પણ વાંચો: દૂધધારા ડેરીની ચૂંટણીમાં ભાજપ મેન્ડેટ સામે બળવો કરનાર 9 ઉમેદવારોને સસ્પેન્ડ કર્યા
અત્રે ઉલ્લેખનીય છે કે, બનાસ ડેરીના આદ્યસ્થાપક સ્વ. ગલબાભાઈ નાનજીભાઈ પટેલે ખેડૂતો અને પશુપાલકોના સામાજિક તથા આર્થિક સ્તર ઉંચુ લાવવાનું સ્વપ્ન સાકાર કર્યું છે. 1966માં પાલનપુર અને વડગામ તાલુકાના આઠ ગામોમાં દૂધ સહકારી મંડળીઓની શરૂઆત કરીને દૂધ મહેસાણાની દૂધસાગર ડેરી ખાતે મોકલવાનું શરૂ કર્યું હતું. 31 જાન્યુઆરી, 1969 ના રોજ બનાસકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ. નું સહકારી કાયદા હેઠળ રજીસ્ટ્રેશન થયું, જેને આજે આપણે “બનાસ ડેરી” તરીકે ઓળખીએ છીએ.