પશુપાલકો માટે દિવાળી પહેલાં દિવાળી! બનાસ ડેરી ચૂકવશે ₹2909 કરોડનો ભાવ ફેર
બનાસ ડેરીની 57મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ

બનાસકાંઠાઃ ગુજરાતની અગ્રણી બનાસ ડેરી દ્વારા 57મી વાર્ષિક સાધારણ સભામાં પશુપાલકો માટે મોટી જાહેરાત કરવામાં આવી હતી. ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ જાહેરાત કરતાં જણાવ્યું કે, બનાસ ડેરી તેના પશુપાલક સભ્યોને કુલ ₹2909.09 કરોડનો ઐતિહાસિક ભાવફેર ચૂકવશે. આ જાહેરાતથી બનાસ ડેરીના પશુપાલકોમાં દિવાળી જેવો માહોલ સર્જાયો હતો.
આ ભાવફેરની રકમમાંથી બનાસ ડેરી દ્વારા સીધો ₹2131.68 કરોડનો ભાવફેર ચૂકવવામાં આવશે, જ્યારે દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ દ્વારા ₹778.12 કરોડનો ભાવફેર ચૂકવાશે. આ રીતે કુલ ₹2909.8 કરોડનો કુલ નફો પશુપાલકોને મળશે. ગત વર્ષે ચૂકવાયેલા ₹1973.79 કરોડના ભાવફેરની સરખામણીએ આ વર્ષે ભાવફેરની રકમમાં મોટો વધારો થયો હતો.
આ પણ વાંચો: પશુપાલકો સામે ઝૂકી સાબર ડેરી, દૂધનો ભાવ ફેર આપવાનો નિર્ણય લીધો…
બનાસ ડેરીની વાર્ષિક સાધારણ સભામાં પ્રગતિની પણ માહિતી આપવામાં આવી હતી. ડેરીએ ₹21,200 કરોડનું ટર્નઓવર હાંસલ કર્યું હતું. દૈનિક 1 કરોડ લિટર દૂધની પ્રોસેસિંગ ક્ષમતા ધરાવે છે. બનાસ ડેરી 1.8 લાખ જેટલા શેરધારકો ધરાવે છે, જે 1200 જેટલા ગામોમાં સહકારી દૂધ મંડળીઓમાં વ્યાપેલા છે. હાલમાં, બનાસ ડેરી સાથે 3 લાખ 76 હજારથી વધુ સભાસદો જોડાયેલા છે. આ સભાસદો તેમના પશુઓનું દૂધ દૂધ મંડળીઓમાં ભરાવે છે, અને તેના બદલામાં તેમને દૂધના ભાવ ઉપરાંત ડેરીના નફામાંથી બોનસ પણ મળે છે.