બગસરા બાદ બનાસકાંઠામાં બાળકોએ હાથ પર બ્લેડથી કાપા માર્યા

ડીસાઃ અમરેલીના બગસરાના મોટા મુંજીયાસર ગામે વિદ્યાર્થીઓએ હાથ પર બ્લેડથી કાપા માર્યા હતા. આ ઘટના પ્રકાશમાં આવ્યાને 48 કલાક જ થયા છે ત્યાં બનાસકાંઠાના ડીસામાં પણ આવો જ કિસ્સો સામે આવ્યો છે. ડીસામાં રાજપુર પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓના હાથ પર કાપા જોવા મળતા ચકચાર મચી હતી. આ બાબતે ડીઈઓને જાણ કરવામાં આવી હતી. જે બાદ તપાસ શરૂ કરવામાં આવી હતી. ટીપીઓ દ્વારા જણાવવામાં આવ્યું કે, વિદ્યાર્થીઓએ રમતા રમતા શરત ઉપર કાપા માર્યા હતા. વિદ્યાર્થીઓને મોબાઈલ ફોનથી દૂર રહેવા, ગેમ ન રમવા અને હિંસક પ્રવૃત્તિથી દૂર રહેવાની સૂચના આપવામાં આવી છે.
તાજેતરમાં અમરેલીના બગસરાના મોટા મુંજીયાસર ગામમાં 40 વિદ્યાર્થીઓએ ઓનલાઈન ગેમના ચક્કરમાં હાથ પર બ્લેડના કાપા માર્યા હતા. વીડિયો ગેમના રવાડે ચડેલા એક બાળકે સાથી છાત્રોને હાથ પર બ્લેડના કાપા કરે તો 10 રૂપિયા આપવાની વાત કહેતા 40 છાત્રોએ પોતાના હાથ પર પેન્સિલના શાર્પનરથી પોતાને ઘાયલ કરી લીધા હતા. શિક્ષકોએ આઠ દિવસ મામલો છુપાવ્યા બાદ આખરે મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો.
વીડિયો ગેમમાંથી પ્રેરણા લઇ પોતાના એક વિદ્યાર્થીઓ જો બ્લેડથી તમારા હાથ પર ચરકા કરો તો તમને 10 રૂપિયા આપું અને ન કરો તો તમારે મને 5 રૂપિયા આપવાના તેવી વાત કરી હતી. જેના પગલે માસૂમ ભુલકાઓ પેન્સિલના શાર્પનરની બ્લેડ બહાર કાઢી હાથ પર ચરકા કરવા લાગ્યા હતા. શાળાના 40 છાત્રોએ પોતાના હાથ પર શાર્પનરથી અનેક ચરકા કરી ખુદને ઘાયલ કરી લીધા હતા. આ વિદ્યાર્થીઓએ સ્વયં કાપા મારી જાતે ઇજા પહોંચાડી હોવાનું બહાર આવ્યું હતું.
ઘટના બાદ રાજ્ય શિક્ષણ પ્રધાન પ્રફૂલ્લ પાનશેરિયાએ અમદાવાદ ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, બાળકો દ્વારા થતા મોબાઈલના અને સોશિયલ મીડિયાના ઉપયોગ બાબતે સરકાર બૌદ્ધિકો સાથે ચર્ચા કર્યા બાદ એક એસઓપી તૈયાર કરશે. બાળકો મોબાઇલમાં ઓનલાઈન ગેમની ખરાબ અસરના કારણે બ્લેડથી શરીર પર ઘા મારે છે. વીડિયો ગેમ જોઈને બાળકો હિંસાત્મક પ્રવૃત્તિ કરે છે. બાળકોને રોકવા માટે છેલ્લા ત્રણ-ચાર મહિનાથી સીએમ નિષ્ણાતો સાથે સંવાદ કરી રહ્યા છે. આ અંગે માર્ગદર્શિકા બનાવવામાં આવશે. જે ટૂંક સમયમાં સરકાર દ્વારા જાહેર કરાશે.
આ પણ વાંચો: નશામાં વાહન ચલાવતા ઝડપાયા તો આવી બન્યું સમજો, ફોટો ઓનલાઈન થઈ જશે અપલોડ