મેઘરજમાં 13 વર્ષીય કિશોરી પર દુષ્કર્મ કરનારો નરાધમ પકડાયો, આ રીતે ઘટના પ્રકાશમાં આવી...

મેઘરજમાં 13 વર્ષીય કિશોરી પર દુષ્કર્મ કરનારો નરાધમ પકડાયો, આ રીતે ઘટના પ્રકાશમાં આવી…

મેઘરજ: અરવલ્લી જિલ્લાના મેઘરજના એક ગ્રામ્ય વિસ્તારમાં માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. 51 વર્ષીય એક આધેડ દ્વારા 13 વર્ષીય કિશોરી પર વારંવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું છે. આ કિશોરીને ત્રણ માસનો ગર્ભ રહી જતાં આ ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો. આ ઘટનાથી સમગ્ર રાજ્યમાં ચકચાર મચી ગઈ છે.

મળતી વિગતો અનુસાર, મેઘરજના અંતરિયાળ વિસ્તારમાં રહેતો 51 વર્ષીય આધેડ જ્યારે તેની પત્ની ઘરે ન હોય ત્યારે પોતાના ઘરે રમવા આવતી 13 વર્ષીય કિશોરીને ખોટી લાલચો આપીને દુષ્કર્મ ગુજારતો હતો. પોતાની ઉંમરથી ચાર ગણી નાની બાળકી પર પણ તેણે દયા ન દાખવી અને પોતાની વાસના સંતોષતો રહ્યો.

ગર્ભ રહી જતાં ભાંડો ફૂટ્યો
સમય જતાં કિશોરીને શારીરિક તકલીફ થતાં તેણે સમગ્ર હકીકત પોતાની માતાને જણાવી હતી. માતાએ તબીબ પાસે તપાસ કરાવતાં કિશોરીને ત્રણ માસનો ગર્ભ હોવાનું સામે આવ્યું હતું. આઘાત અને આઘાતથી ભાંગી પડેલી માતાએ પોતાની નિર્દોષ પુત્રીને ન્યાય અપાવવા માટે તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો હતો.

24 કલાકની અંદર જ નરાધમને ઝડપી પાડ્યો
પોલીસે બાળકીના નિવેદન અને મેડિકલ રિપોર્ટના આધારે 51 વર્ષીય આરોપી વિરુદ્ધ પોક્સો (POCSO) અને દુષ્કર્મની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસતંત્રની સક્રિયતાને કારણે 24 કલાકની અંદર જ આ નરાધમને ઝડપી પાડવામાં આવ્યો હતો. હાલ તેને મેડિકલ તપાસ માટે મોકલવાની તજવીજ ચાલી રહી છે. ભોગ બનનાર કિશોરીને પણ મેડિકલ સારવાર માટે મોકલી આપવામાં આવી છે અને વધુ તપાસ ચાલી રહી છે.

Back to top button