
મોડાસાઃ અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે આમ આદમી પાર્ટી (આપ) દ્વારા ખેડૂત-પશુપાલક મહાપંચાયતનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ મહાપંચાયતમાં દિલ્હીના પૂર્વ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માન હાજર રહ્યા હતા અને પશુપાલકોને સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના ગુજરાતના ધારાસભ્યો અને સંઘઠનના હોદ્દેદારો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. લગભગ 5,000 જેટલા પશુપાલક તેમ જ અન્ય લોકો મહાપંચાયત સમયે હાજર રહ્યાં હતા.
દિલ્હીના પૂર્વ મુખ્ય પ્રધાન અને આમ આદમી પાર્ટી (આપ)ના સંયોજક અરવિંદ કેજરીવાલે મોડાસામાં આયોજિત ખેડૂત-પશુપાલક મહાપંચાયતમાં ગુજરાત સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. આ સંબોધનમાં તેમણે રાજ્ય સરકારને “અમીરોની” સરકાર ગણાવી હતી, જ્યારે આપને ગરીબો, ખેડૂતો અને શ્રમિકોની હિમાયતી તરીકે રજૂ કરી હતી.

કેજરીવાલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર અદાણીને બધા મોટા કોન્ટ્રાક્ટ આપી રહી છે, જેનાથી સામાન્ય જનતા અને ખાસ કરીને ખેડૂતો તથા પશુપાલકોના હિતોની અવગણના થઈ રહી છે. આમ આદમી પાર્ટી સામાન્ય લોકોના હક માટે લડી રહી છે અને તેમનો અધિકાર તેમને અપાવવા માટે કટિબદ્ધ છે.
આ પણ વાંચો: ગુજરાતમાં કેજરીવાલ-ભગવંત માન ફરી મેદાને: જેલમાં બંધ ચૈતર વસાવા માટે કરશે રેલી!
આ ઉપરાંત, તેમણે તાજેતરમાં ખેડૂતો અને પશુપાલકો પર થયેલા અત્યાચારોની પણ સખત શબ્દોમાં નિંદા કરી હતી. કેજરીવાલે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે, જ્યારે પશુપાલકો પોતાના હક માટે રજૂઆત કરી રહ્યા હતા, ત્યારે તેમની સાથે બેસીને વાતચીત કરવાને બદલે લાઠીચાર્જ કરવો કેટલો યોગ્ય છે? તેમણે આ ઘટનાને સરકારનો અહંકાર ગણાવ્યો હતો અને પશુપાલકોને એક કરોડ રૂપિયાનું વળતર આપવાની માંગ કરી હતી.

કેજરીવાલે સાબરકાંઠા અને અરવલ્લીના પશુપાલકો પર થયેલા દમનનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, આ ગરીબ પશુપાલકો જ્યારે પોતાના હકની રજૂઆત કરવા ગયા, ત્યારે તેમના પર લાઠીચાર્જ કરવામાં આવ્યો અને ટિયરગેસ છોડવામાં આવ્યો હતો, જે અત્યંત નિંદનીય છે.