હિંમતનગરમાં BZ કૌભાંડ જેવું જ વધુ એક કૌભાંડ; ઊંચા વળતરના નામે ₹૩.૪૨ કરોડની છેતરપિંડી | મુંબઈ સમાચાર
અરવલ્લી

હિંમતનગરમાં BZ કૌભાંડ જેવું જ વધુ એક કૌભાંડ; ઊંચા વળતરના નામે ₹૩.૪૨ કરોડની છેતરપિંડી

હિંમતનગર: સમગ્ર રાજ્યમાં ખૂબ જ ચકચાર મચાવનાર BZ કૌભાંડ જેવી જ વધુ એક પોન્ઝી સ્કીમ જેવુ કૌભાંડ સામે આવ્યું છે. જેમાં રોકાણકારોને ઊચા વળતરની લાલચ આપીને રૂ. ૩,૪૨,૯૧,૦૦૦નું રોકાણ કરાવ્યું હતું. રોકાણ કરાવ્યા બાદ શરૂઆતના સમયમાં વળતર આપીને વિશ્વાસ કેળવ્યા બાદ અચાનક રાતોરાત ઓફિસો બંધ કરી નાખતા ચકચાર મચી ગઈ હતી અને અંતે સ્કીમની જાળમાં ફસાયેલા લોકોએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદમાં નોંધાવેલી વિગતો અનુસાર, સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં બિટકોઇન અને યુ.એસ.ડી.ટી.માં રોકાણ પર ઊંચા વળતરની લાલચ આપીને કરોડો રૂપિયાની છેતરપિંડીનો એક મોટો કિસ્સો સામે આવ્યો છે. એ.આર. કન્સલ્ટન્સી અને એ.આર. કેપીટલ સર્વિસીસ નામની કંપનીઓના માલિકો અને ભાગીદારો સહિત કુલ ત્રણ આરોપીઓએ ૧૦થી વધુ લોકોને ₹૩ કરોડ ૪૨ લાખ ૯૧ હજારનું રોકાણ કરાવીને છેતરપિંડી આચર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ છે.

શું છે સમગ્ર મામલો?

ફરિયાદી ભરતસિંહ પરમારના જણાવ્યા અનુસાર, આ કેસના મુખ્ય આરોપી અજયસિંહ રજુસિંહ મકવાણા (રહે. હિંમતનગર), જેઓ અગાઉ ગ્રોમોર કોલેજમાં પ્રોફેસર હતા, તેમણે તેમના પિતા રજુસિંહ લાલસિંહ મકવાણા અને ભાગીદાર વનરાજસિંહ દીલીપસિંહ ઝાલા (રહે. જુના બળવંતપુરા) સાથે મળીને આ કૌભાંડ આચર્યું હતું. સને-૨૦૨૨માં અજયસિંહે એ.આર. કન્સલ્ટન્સી અને એ.આર. કેપીટલ સર્વિસીસ નામની પોતાની કંપનીઓ સહકારી જીન રોડ, હિંમતનગર ખાતે શરૂ કરી હતી.

૧૦% માસિક વળતરની લાલચ

આરોપીઓએ કંપનીના ઉદ્ઘાટન સમયે અને સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને સંબોધીને જાહેરાત કરી હતી કે તેઓ બિટકોઇન અને યુ.એસ.ડી.ટી.માં રોકાણ કરે છે, જેમાં રોકાણકારોને મૂડી પર દર મહિને ૧૦% જેટલો ઊંચો નફો મળશે. રાષ્ટ્રીયકૃત બેંકો કરતાં વધારે વળતરની લાલચ આપીને લોકોને વિશ્વાસમાં લીધા હતા અને પૈસા ‘સેફ’ હોવાની ખાતરી આપી હતી.

સોનાના દાગીના ગીરવે મૂકી લોન લીધી

ફરિયાદી ભરતસિંહ પરમાર આ લાલચમાં આવી ગયા હતા અને મે-૨૦૨૩માં સોનાના દાગીના ગીરવે મૂકી ગોલ્ડ લોન, પિતા પાસેથી રકમ, બેંક લોન અને પોતાની બચતો ભેગી કરીને ટુકડે ટુકડે કુલ ₹૧ કરોડ ૩ લાખ ૪૫ હજારનું રોકાણ કર્યું હતું. શરૂઆતમાં આરોપીઓએ રોકાણ પર ૫% માસિક વળતર પણ આપ્યું હતું, પરંતુ ડિસેમ્બર-૨૦૨૪થી વળતર આપવાનું બંધ કરી દીધું.

કુલ ₹૩.૪૨ કરોડનું રોકાણ ફસાયું
ફરિયાદી સિવાય અન્ય ૧૦ જેટલા લોકોએ પણ આરોપીઓની કંપનીમાં મોટી રકમોનું રોકાણ કર્યું હતું.

રોકાણકારનું નામરોકાણની રકમ (અંદાજિત)
ફરિયાદી ભરતસિંહ પરમાર₹ ૧,૦૩,૪૫,૦૦૦/-
રાજવીરસિંહ ભરતસિંહ પરમાર ₹ ૭૦,૦૦,૦૦૦/-
સુરજસિંહ વિક્રમસિંહ રાઠોડ ₹ ૭૦,૦૦,૦૦૦/-
કિરણભાઈ અમ્રુતભાઇ પટેલ₹ ૨૦,૦૦,૦૦૦/-
અન્ય ૬ રોકાણકારો ₹ ૭૯,૪૬,૦૦૦/-
કુલ રોકાણ₹ ૩,૪૨,૯૧,૦૦૦/-

રોકાણકારો દ્વારા વારંવાર સંપર્ક કરવા છતાં આરોપીઓ ખોટા વાયદાઓ આપતા હતા અને અંતે, ડિસેમ્બર-૨૦૨૪થી વળતર આપવાનું બંધ કરી દઈને આરોપીઓએ અચાનક ઓફિસ પણ બંધ કરી દીધી હતી. પોલીસે ફરિયાદીની અરજીના આધારે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ છેતરપિંડી અને ગુનાહિત કાવતરા હેઠળ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અને તપાસ હાથ ધરી છે.

આપણ વાંચો:  ગુજરાતની CBSE શાળાઓના વિદ્યાર્થીઓ અને સંચાલકોને રાહત; અમદાવાદમાં શરૂ થશે રિજનલ ઓફિસ

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button