મોરબીમાં વ્યાજની પઠાણી ઉઘરાણી: વ્યાજખોરે ઘરે આવી પત્નીને ઝીંક્યા ફડાકા
મોરબી: મોરબીના પંચાસર રોડ પર રાજનગરમાં રહેતા યુવાનને પિતાની બીમારીને કારણે પૈસાની જરુર પડતાં શનાળા ગામના એક વ્યક્તિ પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા. બાદમાં તે પૈસા ચૂકવી ન શકતા વ્યાજખોરે ધમકીઓ આપીને પઠાણી ઉઘરાણી કરીને પત્નીને ફડાકા માર્યા હોવાની ફરિયાદ નોંધાઈ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના પંચાસર રોડ પર રાજનગરમાં રહેતા એક યુવાનના પિતાને મોઢાનું કેન્સર થવાથી તેની સારવાર માટે પૈસાની જરુર હોય તે માટે શકત શનાળા ગામના વ્યાજખોર પાસેથી 20 ટકા જેટલા વ્યાજે નાણાં વ્યાજે લીધા હતા. જો કે બાદમાં વ્યાજની રકમને યુવાન સમયસર ચૂકવી લ શકતા વ્યાજખોરે પઠાણી ઉઘરાણી માંડી હતી. વ્યાજખોરે યુવાનના ઘેર જઈને પત્નીને ફડાકા ઝીકી દીધા હતા. આ બનાવમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
દર મહીને રૂ.62,000 વ્યાજ
મોરબીના રાજનગરમાં રહેતા જયદીપભાઈ માણસુરિયાએ મોરબી એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. તેમાં જણાવ્યું છે કે ત્રણ વર્ષ પહેલા તેના પિતાને મોઢાનું કેન્સર હોય અને જયદીપભાઈને પણ બ્લડ કેન્સર થતાં જેથી અવારનવાર દવાખાનના કામ માટે પૈસાની જરૂર પડતી હતી જેથી મિત્ર જયસુખભાઈ ઉર્ફે જશભાઈ મિયાત્રા રહે-શકત શનાળા પાસેથી રૂ.4,50,000 વ્યાજે લીધા હતા, જેના વ્યાજ પેટે દર મહીને રૂ.62,000 વ્યાજ ચુકતા હતા. જે આશરે ચારેક મહિના સુધી ચૂકવ્યા બાદ તેના પિતાનું મૃત્યુ થયું અને જયદીપભાઈની નોકરી પણ જતી રહી આથી વ્યાજ ચૂકવી શકતા નહોતા.
આ પણ વાંચો :મોરબીમાં ખનીજ માફિયાઓ સામે તંત્રની લાલ આંખ: ચાર ડમ્પરને ઝડપ્યા…
ઉઘરાણી માટે પત્નીને ઝીંકી દીધા ફડાકા
આ બાબતે આરોપી જયસુખભાઈ તેના વ્યાજના પૈસા બાબતે અવારનવાર ફોન કરી પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા. જયદીપભાઈ બહાર ગામ ગયેલ હોય તે સમયે આરોપીએ ફરિયાદીના ઘરે આવીને ફરિયાદીના પત્ની પુનમબેન સાથે વ્યાજની ઉધરાણી કરી ગાળો આપી ત્રણ ફડાકા માર્યા હતા. આ ઉપરાંત આરોપીએ બે કોરા ચેક પડાવી લઈ કોર્ટમાં ચેક રિટર્ન અંગેનો કેસ કરી જાનથી મારી નાખવા ધમકી આપતા ઘટના અંગે સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વ્યાજખોર વિરુદ્ધ ગુન્હો દાખલ કરી તપાસ શરૂ કરી છે.