એકનું એક તેલ વારંવાર વાપરનાર સામે સરકારે હજુ પગલાં લીધા નથી
ગુજરાતીઓ તેમના તળેલા નાસ્તા-ફરસાણ માટે જાણીતા છે. ગુજરાતમાં અને ગુજરાત બહાર તહેવારોના સમયે અથવા તો આખું વર્ષ ગુજરાતમાં ગાંઠિયા સહિતના ઘણા તળેલા નાસ્તા બને છે, મોટા પાયે નિકાસ પણ થાય છે. ગુજરાતમાં નિયિમિતપણે સેંકડો કિલો તળેલો નાસ્તો દેશ વિદેશમાં પણ જાય છે. જોકે ગુજરાત સ્ટેટ લૉ કમિશને રાજ્ય સરકારને તાકીદ કરી હતી કે ફરસાણ બનાવનારાઓ દ્વારા એકનું એક તેલ વારંવાર ઉપયોગમાં લેવામાં આવે છે અને તેને લીધે બ્લડ પ્રેશર, ડાયાબિટિસ અને કેન્સર જેવા ખતરનાક રોગ થવાની સંભાવના છે, આથી આ પ્રેક્ટિસ બંધ કરવામાં આવે. આ મામલે ગુજરાત સરકારે હજુ કોઈ પગલાં ન લીધા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.
જોકે આ કમિશનના અહેવાલ બાદ માવા-મીઠાઈ વ્યાપારી એસોસિયેશને પોતાના સભ્યોને સલાહ આપી હતી કે તેઓ આ પ્રકારે તેલનો ઉપયોગ ન કરે અને વધેલું તેલ બાયોડિઝલ કે તેલના ઉપયોગથી પ્રોડ્ક્સ બનાવતી કંપનીને આપી દે.
મોટા ભાગના ફરસાણ બનાવતા વ્યાપારીઓ મગફળી, પાલ્મ ઓઈલ કે કપાસીયાનું તેલ વાપરે છે. વૈજ્ઞાનિક રીતે આ તેલ બેથી વધુ વાર વાપરવુ ન જોઈએ, પરંતુ ફરસાણવાળા તેને વારંવાર વાપરે છે. કમશિને આ રીતે થતાં તેલના વપરાશ અને તેને લીધે સ્વાસ્થ્યને થતાં નુકસાન અંગે રાજ્ય સરકારને અહેવાલમાં જણાવ્યું છે અને માત્ર તહેવારોના સમયમાં જ નહીં, પરંતુ આખું વર્ષ તેલની ગુણવત્તા ચકાસવામાં આવે તેવી ભલામણ પણ કરી છે. તેમણે તેલના નમૂના નિયમિતપણે લેવામાં આવે અને તેમાં ટોટલ પૉલર કમ્પાઉન્ડ (ટીપીસી)ની ચકાસણી કરવામાં આવે. જોકે આ મામલે સરકારે હજુ પગલાં ન લીધા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.