ટ્રમ્પ સરકારના વિઝા નિયમોનો ફટકો: ગુજરાતીઓ માટે અમેરિકા હવે ‘લોઢાના ચણા’ જેવું!

અમદાવાદ: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો કાર્યકાળ અમેરિકા સાથેના સંબંધ અને સ્થિતિમાં જડમૂળથી ફેરફાર કરનારો સાબિત થયો છે. ટેરીફ ધમકી તેમજ H-1B વિઝાના નિયમનોથી અનેક લોકોનું અમેરિકા જવાનું સપનું રોળાઈ ગયું છે. ત્યારે આવી સ્થિતિ વચ્ચે ન્યૂયોર્કમાં લોજિસ્ટિક્સ મેનેજર તરીકેની નોકરી કરતા ૨૭ વર્ષીય યુવાન માટે બે વર્ષ પછી વતનમાં માતા-પિતા સાથે સમય વિતાવવાનો આનંદ હવે એક એક મોટા સંકટમાં ફેરવાઈ ગયો છે. કારણ કે અ યુવાન યુએસ એમ્બેસીમાં વિઝા સ્ટેમ્પિંગ માટેની એપોઇન્ટમેન્ટ સાથે અમદાવાદ આવ્યો હતો, પરંતુ એપોઇન્ટમેન્ટ રિશેડ્યુલ થવાને કારણે હવે તેને નોકરી અને વિઝા ગુમાવવાનો ડર સતાવી રહ્યો છે. જોકે તેની કંપનીએ ચાર મહિના માટે ‘વર્ક ફ્રોમ હોમ’ની મંજૂરી આપી છે, પરંતુ વિઝા સ્ટેમ્પિંગ વગર લાંબો સમય આ વ્યવસ્થા ચાલુ રાખવી અશક્ય છે.
મળતી વિગતો અનુસાર, ગુજરાતમાં અત્યારે અનેક પરિવારો આવી જ H-1B વિઝા કટોકટીનો સામનો કરી રહ્યા છે. છેલ્લા છ મહિનામાં અમેરિકાએ વિઝા નિયમોમાં મોટા ફેરફારો કર્યા છે, જેમાં કુશળ વિદેશી કામદારોની ભરતી માટે એમ્પ્લોયર ફી વધારીને $100,000 (આશરે ૮૩ લાખ રૂપિયા) કરી દેવામાં આવી છે. આ ઉપરાંત, H-4 સ્પાઉસ વર્ક ઓથોરાઈઝેશન એક્સટેન્શનમાં પણ વિક્ષેપ પડ્યો છે, જેના કારણે કોન્સ્યુલેટ્સમાં અરજીઓનો મોટો ભરાવો થયો છે. સૌથી ગંભીર સમસ્યા વિઝા સ્ટેમ્પિંગના સ્લોટની અછત છે, જેમાં હવે ૨૦૨૭ સુધીની તારીખો બતાવી રહી છે.
આ અનિશ્ચિતતાને કારણે અમેરિકામાં સ્થાયી થયેલા ઘણા ગુજરાતી પ્રોફેશનલ્સ અત્યારે ભારત આવવાનું ટાળી રહ્યા છે. સિલિકોન વેલીમાં કામ કરતા એક અમદાવાદી ટેકનિશિયને જણાવ્યું કે તેના પિતા હોસ્પિટલમાં હોવા છતાં તે ભારત આવી શકતો નથી. કંપનીએ તેને સલાહ આપી છે કે જો તે અત્યારે અમેરિકા છોડશે તો પરત આવવું મુશ્કેલ બનશે. આવી જ સ્થિતિ ટેક્સાસમાં રહેતા એક આઈટી પ્રોફેશનલની છે, જેણે ગાંધીનગરમાં લગ્નમાં હાજર રહેવા માટે બુક કરેલી ટિકિટો કેન્સલ કરવી પડી છે. તેને ડર છે કે જો સ્ટેમ્પિંગ નહીં થાય તો તે ભારતમાં જ અટવાઈ જશે.
સામાન્ય રીતે ડિસેમ્બરથી ફેબ્રુઆરી દરમિયાન ગુજરાતમાં NRI સીઝન જામતી હોય છે, પરંતુ આ વર્ષે સ્થિતિ સાવ નોખી જ છે. ઈમિગ્રેશન કન્સલ્ટન્ટના જણાવ્યા અનુસાર, આ વર્ષે H-1B વિઝા ધારકોની સંખ્યા નહિવત જોવા મળી છે. જેઓ ભારતમાં છે અને જેમની પાસે નવી તારીખો નથી, તેઓ વર્ષો સુધી અટવાઈ શકે છે. ઘણી યુએસ કંપનીઓએ તેમના કર્મચારીઓને ભારત ન જવા માટે એડવાઇઝરી જારી કરી છે. અગાઉ કેટલાક લોકો વિઝા સ્ટેમ્પિંગ માટે કેનેડા જતા હતા, પરંતુ નવા નિયમો મુજબ હવે વતનમાં જ સ્ટેમ્પિંગ કરાવવું ફરજિયાત બનાવી દેવામાં આવ્યું છે.
નિષ્ણાતોનું માનવું છે કે જે H-1B વિઝાને એક સમયે અમેરિકામાં સ્થાયી થવાની ‘ગોલ્ડન ટિકિટ’ માનવામાં આવતી હતી, તે હવે લોઢાના ચણા ચાવવા સમાન બની ગયું છે. ઈમિગ્રેશન કન્સલ્ટન્ટે જણાવ્યું હતું કે, ઓનલાઇન ફોરમ્સ પર દરેક નિયમ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. અનેક પ્રોફેશનલ્સ વિઝા સ્ટેમ્પિંગના સ્લોટ ઉપલબ્ધ ન હોવાને કારણે સામાજિક પ્રસંગો અને માંદગી જેવા કપરા સમયે પણ પોતાના પરિવાર પાસે આવી શકતા નથી.
આ પણ વાંચો…ગ્રીન કાર્ડ બાદ ટ્રમ્પે H-1B વિઝા માટે લોટરી સિસ્ટમ બંધ કરી, હવે આ રીતે સિસ્ટમથી મળશે વિઝા…



