અમેરિકાના વિઝા માટે ગુજરાતીઓને મુંબઈ સુધી લાંબા થવું નહીં પડે…
ટૂંક સમયમાં અમદાવાદમાં ખૂલશે કોન્સ્યુલેટઃ અમેરિકન એમ્બેસેડર
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ નજીકના ભવિષ્યમાં અમેરિકા જવા ઈચ્છતા ગુજરાતીઓનો વિઝા માટે મુંબઈ સુધી લાંબા થવું નહીં પડે કારણ કે અમેરિકન સરકારે ભારતમાં વધુ બે કોન્સ્યુલેટ શરૂ કરવાનું નક્કી કર્યું છે. ગુજરાતમાં અમદાવાદ અને કર્ણાટકમાં બેંગલોર ખાતે પણ આ નવી કોન્સ્યુલેટ બનાવવામાં આવશે એવું અમેરિકાના ભારત ખાતેના રાજદૂત એરિક ગાર્સેટીએ બુધવારે જણાવ્યું હતું.
મુંબઈ ખાતે ઉજવાયેલા અમેરિકાના 248મા નેશનલ ડેના કાર્યક્રમમાં ઉપસ્થિત અમેરિકન એમ્બેસેડર એરિક ગાર્સેટીએ વિઝા માટેનો સમય ઓછો કરવાના હેતુ સાથે ટૂંક સમયમાં ભારતમાં બે કોન્સ્યુલેટ શરુ કરવાની હામી ભરી હતી. તે ઉપરાંત ભારત અને અમેરિકાના વેપાર-વાણિજ્ય અને સ્પેસ ક્ષેત્રે સંબંધો વધુ મજબૂત બનશે એવી પણ અપેક્ષા વ્યક્ત કરી હતી.
આ પણ વાંચો : EUએ ભારતીય નાગરિકો માટે શેંગેન વિઝાના નિયમો બદલ્યા, શું થશે લાભ? જાણો
કાર્યક્રમમાં અમેરિકન એમ્બેસેડર એરિક ગાર્સેટી, યુએસ કોન્સ્યુલેટના કોન્સુલ જનરલ માઈક હેન્કી, ચીફ ગેસ્ટ તરીકે મહારાષ્ટ્રના ચીફ સેક્રેટરી ડોક્ટર નીતિન કરીર અને ભારતના અગ્રણી સ્પેસ થિંક ટેંક સ્પેસપોર્ટ સારાભાઈનાં ડોક્ટર સુષ્મિતા મોહંતી ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, અનેક ભારતીય અને અમેરિકન સેલિબ્રિટીઝ પણ હાજર રહ્યા હતા.