અમેરિકામાં વસતા ગુજરાતીઓની દિવાળી ફાફડા, મઠીયા અને ઘુઘરા વિના ઉજવાશેઃ જાણો કારણ…

અમદાવાદઃ દિવાળીમાં ગુજરાતી ઘરોમાં વિવિધ સૂકા નાસ્તા અને મીઠાઈઓ બને છે. તહેવારોમાં પોતાનાથી દૂર રહેતા સ્વજનોને આ મીઠાઈ-નાસ્તા મોકલી પરિવારો તેમની ખોટ પૂરી કરે છે તો બીજી બાજુ પોતાનો દેશ છોડી પરદેશ રહેતા લોકોને પણ દિવાળી જેવું લાગે તે માટે તેઓ પણ વિવિધ નાસ્તા અને મીઠાઈ મંગાવતા હોય છે.
આ સાથે ઘણી વસ્તુઓ, ભેટ પણ મોકલતા હોય છે, પરંતુ આ દિવાળીમાં આ કામ અઘરું અને મોંઘુ બની ગયું છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વધારેલા ટેરિફને લીધે કુરિયર ચાર્જમાં વધાોર થયો છે અને સમયસર પહોંચી પણ નથી રહ્યા, તેમ ઘણા લોકો કહી રહ્યા છે.
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓએ ભારતીય આયાત પર લગાવેલા 50% સુધીના ટેરિફમાં ભારતીય ભાવનાઓને પણ અસર થઈ છે. 27 ઓગસ્ટ, 2025 પહેલાં 800 ડૉલર સુધીના પેકેજ ડ્યુટી-ફ્રી હતા. પરંતુ હવે તેના પર 50% ડ્યુટી લાગી ગઈ છે. ઉદાહરણ તરીકે, 5000ની મીઠાઈના પેકેજ પર 2500 વધારાનો ખર્ચ આવે છે. આના કારણે ભારતની કુરિયર કંપનીઓનો અને તેની સાથે સંકળાયેલ દેશના ઘણાં મીઠાઈ હબને 70-80%નું નુકસાન થયું છે.
ટ્રમ્પના 50 ટકા ટેરિફની અસર ગુજરાતીઓની દિવાળી પર પડી છે. નવા ટેરિફ પહેલા 800 ડૉલર સુધીના પાર્સલ ડ્યૂટી ફ્રી હતા. હવે તમામ પર 50 ટકા ટેરિફ લાગી ગયો છે. આથી જો કોઈ રૂ. 10,000નું પાર્સલ મોકલે તો રૂ. 5000 વધારાનો ખર્ચ આવે છે. આથી ઘણા લોકોએ મોકલવાનું ટાળ્યું છે.
આ સાથે અગાઉ ભારત પોસ્ટ દ્વારા અમેરિકા માટેની પર્સલ સેવા સ્થગિત કરવામાં આવી હતી, જે દિવાળી પહેલા એટલા 15 ઑક્ટોબરથી જ ફરી શરૂ કરવામાં આવી છે. તેથી પાર્સલ મળવામાં પણ વિલંબ થઈ રહ્યો હોવાનું આ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો કહી રહ્યા છે. આથી અમેરિકામાં વસતા ગુજરાતીઓએ આ વખતે દેશના નાસ્તા-મીઠાઈ વિના જ દિવાળી ઉજવવી પડશે તેમ લાગી રહ્યું છે.