2025માં અમેરિકાએ કેટલા ગુજરાતી ઈમિગ્રન્ટને વતન પરત મોકલ્યા? જાણો વિગત

અમદાવાદઃ લોકસભામાં શુક્રવારે ડીએમકેના સાંસદ કનીમોઝીએ અમેરિકાથી કેટલા ભારતીયોને વતન પરત મોકલવામાં આવ્યા તે અંગે પ્રશ્ન પૂછ્યો હતો. તેમણે પૂછ્યું કે, શું સરકાર જાન્યુઆરી 2025થી અમેરિકાથી ભારત પરત મોકલવામાં આવેલા લોકોનો ડેટા રાખે છે અને તેમને ક્યા કારણોસર પરત મોકલવામાં આવ્યા તેની માહિતી છે? શું સરકાર સ્ટુડન્ટ વિઝા પ્રક્રિયામાં હાલના બદલાવ, સ્ટુડન્ટ વિઝા અને અન્ય વિઝામાં થઈ રહેલા વિલંબ અંગે અમેરિકા સાથે કોઈ ઔપચારિક કમ્યુનિકેશન થયું છે કે કેમ? શું સરકાર પાસે વિઝા રિજેક્ટ કરવામાં આવ્યા બાદ કે સોશિયલ મીડિયા આધારિત તપાસ પ્રક્રિયાનો સામનો કરી રહેલા ભરતીય વિદ્યાર્થીઓ અને પ્રવાસીઓની સ્થિતિની દેખરેખ માટે કોઈ તંત્ર છે કે નહીં સવાલ પૂછ્યા હતા.
જેના જવાબમાં વિદેશ રાજ્ય પ્રધાન કીર્તવર્ધન સિંહે જણાવ્યું કે, અમેરિકા દ્વારા 1703 ભારતીયને વતનમાં ડિપોર્ટ કરાયા હતા. તેમાં 1562 પુરુષ અને 141 મહિલા સામેલ હતા. ડિપોર્ટ કરાયેલા ભારતીયોમાં 14% ગુજરાતી છે. આ સમયગાળામાં 245 ગુજરાતીઓને પરત મોકલવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: અમેરિકાએ ભારતીય ઈમિગ્રન્ટ્સને બેડી બાંધવા મુદ્દે સંસદમાં સરકારે આપ્યું નિવેદન, અમે ચિંતા કરી પણ…
કેન્દ્ર સરકારે લોકસભામાં આપેલા જવાબ મુજબ, 2025માં આ સમયગાળા દરમિયાન સૌથી વધુ પંજાબના 620 અને હરિયાણાના 604 નાગરિક સામેલ હતા. અન્ય એક સવાલના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે, સૌથી વધુ 56.93 લાખ ભારતીયો અમેરિકામાં વસે છે. તેમાંથી 19 લાખથી વધુ નોન રેસીડેન્ટ ઇન્ડિયન છે અને 37 લાખ અમેરિકન નાગરિક છે. ડિપોર્ટ થયેલા લોકોમાં ભારતના 22 રાજ્યના નાગરિકો સામેલ છે.
આ પણ વાંચો: અમેરિકામાં ભારત નહિ આ દેશના સૌથી વધુ ગેરકાયદે ઈમિગ્રન્ટસ, પોલીસ આવી રીતે કરે છે ઓળખ
ઉપરોક્ત રાજ્ય સહિત ભારતના 22 રાજ્યના નાગરિકને અમેરિકાથી ડિપોર્ટ કરાયા હતા. મહારાષ્ટ્ર અને દિલ્હીના 20-20, તેલંગાણાના 19, તમિલનાડુના 17, આંધ્રપ્રદેશ અને ઉત્તરાખંડના 12-12, હિમાચલ પ્રદેશ અને જમ્મુ કશ્મીરના 10-10 નાગરિકોને અમેરિકાથી ભારત ડિપોર્ટ કરાયા હતા. ઉપરાંત અન્ય 9 રાજ્યના કુલ 50 નાગરિકોને પણ પરત વતનમાં ડિપોર્ટ કરાયા હતા. આ ઉપરાંત જણાવ્યું કે, વિદેશમાંથી ભારતીયોને પરત મોકલતી વખતે તેમની સાથે માનવીય વ્યવહાર સુનિશ્ચિત કરવા માટે અમેરિકા સાથે સતત સંપર્કમાં રહે છે.